રાજકોટના ઉપલેટામાં હચમચાવી દેતી ઘટના, 9 મહિનાની માસૂમને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યુ…માંનું મોત, દીકરીના જીવન-મરણ વચ્ચે ઝોલા

ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો. જો કે, આ મામલે જનેતાનું સારવાર દરમિયાન મોત થયુ છે, જ્યારે 9 મહિનાની દીકરી હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ ઘટના બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ

માતાએ દીકરીને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યુ

પ્રાપ્ત જાણકારી અનુસાર, ફરિયાદી ગાંડાભાઈ મકવાણા ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરે છે અને તેમને સંતાનમાં એક 9 મહીનાની દીકરી છે. તેમના લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈની દીકરી મનિષા સાથે 2 વર્ષ પહેલા થયા હતા. આ લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થયા હતા.

એસિડ પીધા બાદ કર્યો પતિને ફોન

ગાંડાભાઈ, તેમની માતા અને નાનો ભાઈ ત્રણેય વાડી ભાગિયું રાખી ખેતીકામ કરે છે, ત્યારે ગત રોજ બપોરના 3 વાગ્યે તેમના પર પત્ની મનિષાનો ફોન આવ્યો અને તેણે કહ્યુ કે મેં એસિડ પી લીધું છે, તમે ઘરે આવો. આ વાત સાંભળ્યા બાદ ત્રણેય તાત્કાલિક ઘરે પહોંચ્યા અને જોયુ તો પત્ની ગાદલા પર આળોટતી હતી અને ઊલટીઓ કરતી હતી.

મહિલાનું મોત, બાળકીની હાલત ગંભીર

આ ઉપરાંત દીકરી ધાર્મી પણ ઊલટીઓ કરી રહી હતી. મોઢા પર ફીણ પણ આવી ગયાં હતાં. જો કે, આ મામલે ગાંડાભાઈએ પત્નીને પૂછ્યુ પણ તે કંઇ બોલી શકી નહિ. તે બાદ ગાંડાભાઈએ તેમના મામાને ફોન કરી બનાવની જાણ કરી અને ફોરવ્હીલ લઈ બંનેને ઉપલેટા ખાનગી હોસ્પિટલ લઈ ગયાં. જો કે, સારવાર દરમિયાન પત્નીનું તો મોત થયું પણ દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થઇ જતા તેને રાજકોટ સરકારી દવાખાને લઇ સારવાર હેઠળ ખસેડવામાં આવી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આપઘાતનું કારણ અકબંધ

ગાંડાભાઇએ ફરિયાદ નોંધાવી છે કે પત્ની મનિષા કોઈ કારણે આવેશમાં આવી ગઇ અને ઘરે એકલી હોવાને કારણે તેણે પોતે એસિડ પી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવ્યુ. હાલ તો આ મામલે ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે મહિલાએ ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Shah Jina