અહીંના એરપોર્ટ પર મોટી દુર્ઘટના: લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ક્રેશ થયું સરકારી હેલિકોપ્ટર, ક્રેશ લેન્ડિંગમાં બે પાઈલટના મોત

દેશભરમાંથી અવાર નવાર એવી એવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે કે આપણે તેનો વીડિયો જોઇએ કે તસવીરો જોઇએ તો પણ આપણા રૂંવાડા ઊભા થઇ જતા હોય છે. ઘણીવાર પ્લેન ક્રેશ કે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં આવી જ ઘટના સામે આવી છે છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પરથી…અહીં એક હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. આ ક્રેશ લેન્ડિંગ શા માટે થયું, કારણ શું હતું, તે હજુ સ્પષ્ટ થયું નથી. દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બીજાનું હોસ્પિટલ લઈ જતા દરમિયાન રસ્તામાં મોત થયું હતું. દુર્ઘટનામાં રાજ્યનું હેલિકોપ્ટર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટેસ્ટિંગ દરમિયાન થઈ હતી. વિમાન દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘હમણાં જ રાયપુરના એરપોર્ટ પર સ્ટેટ હેલિકોપ્ટરના ક્રેશ વિશે દુઃખદ માહિતી પ્રાપ્ત થઈ છે. આ દુ:ખદ અકસ્માતમાં અમારા બંને પાયલોટ, કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવનું દુઃખદ અવસાન થયું.

મુખ્યમંત્રીએ દુખની આ ઘડીમાં પરિવારના સભ્યોને શક્તિ અને દિવંગત આત્માની શાંતિની કામના કરી છે. છત્તીસગઢ સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાજ્યનું એક હેલિકોપ્ટર ગુરુવારે રાત્રે લગભગ 9.10 વાગ્યે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ક્રેશ થયું. પ્રારંભિક સંકેતો અકસ્માતના કારણ તરીકે તકનીકી ખામી સૂચવે છે. દુર્ઘટના બાદ કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું કમનસીબે મોત નીપજ્યું હતું.ચોક્કસ કારણ જાણવા DGCA અને રાજ્ય સરકારના આદેશ પર વિગતવાર તકનીકી તપાસ કરવામાં આવશે.

હવે ટેસ્ટીંગ દરમિયાન કયા કારણે હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું તે તપાસનો વિષય છે. હાલ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. લેન્ડિંગ એટલું ખતરનાક હતું કે એક પાયલોટનું ઘટનાસ્થળે જ મોત થયું, બીજાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેને પણ બચાવી શકાયો નહીં.દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, પ્રશાસનના ઉચ્ચાધિકારી એરપોર્ટ પહોંચી ગયા હતા.

Shah Jina