ગુજરાતીઓ, સાચવજો! હજુ બે દિવસ છે કમોસમી વરસાદની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારોમાં પડી શકે છે માવઠું
Rain forecast till 1 December : ગઈકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. આ ઉપરાંત ઘણી જગ્યાએ તો કરા પણ પડતા જોવા મળ્યા હતા. ત્યારે આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ લગ્નની સીઝન હોય લોકોના લગ્ન પર પણ પાણી ફરી રહ્યા છે. આજે સવારથી પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે.
પરેશ ગોસ્વામીની આગાહી :
શિયાળામાં માવઠાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજે પણ સાંજ સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ યથાવત રહશે. તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ભાવનગર, રાજકોટ, બોટાદ સાથે સાથે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ગોધરામાં પણ વરસાદના એંધાણ છે.
આ વિસ્તારોમાં થશે વરસાદ :
આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ગાઢ વાદળો પણ જોવા મળશે સાથે જ છુટાછવાયા ઝાપટા પણ પડી શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે 28 તારીખ પછી હવામાન ખુલ્લું થશે, પરંતુ 28 અને 29 તારીખે છુટાછવાયા ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે પહેલી ડિસેમ્બરે પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની અસર જોવા મળશે અને વરસાદની શક્યતા છે.
1 ડિસેમ્બર સુધી થશે વરસાદ :
તમને જણાવી દઈએ કે ગઈકાલે સવારથી રાજ્યના અનેક ભાગોમાં અડધાથી લઈને ત્રણ ઈંચ સુધી માવઠાનો વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે-સાથે અનેક વિસ્તારમાં કરા પણ પડ્યા છે. હાલમાં દક્ષિણમાં ઇશાનનું ચોમાસું ચાલુ હોવાને કારણે ત્યાં નિરંતર વરસાદી સિસ્ટમ ઘડાતી રહેતી હોય છે. હાલમાં દક્ષિણમાં બનેલી એક વરસાદી સિસ્ટમ એ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરી છે.