રિક્ષા ચાલકે રાહુલ દ્રવિડની કારને મારી ટક્કર, ભારતના પૂર્વ હેડ કોચનો રસ્તા પર જોવા મળ્યો એંગ્રી અવતાર
રાહુલ દ્રવિડની કારનો અકસ્માત, ઓટોએ મારી ટક્કર, પૂર્વ ક્રિકેટરનો ગુસ્સા વાળો વીડિયો વાયરલ
રાહુલ દ્રવિડ…દિગ્ગજ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ….ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને બેટ્સમેન રાહુલ દ્રવિડ તેમના શાંત વર્તન માટે જાણીતા છે. જો કે, તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમનું એક અલગ જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન બેંગલુરુના રસ્તાઓ પર એક ઓટો ડ્રાઈવર સાથે દલીલ કરતા જોવા મળે છે. આ જોઈને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ દ્રવિડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક કુનિંઘમ રોડ પર એક ઓટો ડ્રાઈવર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. રીપોર્ટ અનુસાર, રિક્ષા ચાલકે પાછળથી રસ્તાની બાજુમાં ઉભેલી દ્રવિડની કારને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે દ્રવિડની કાર આગળ પાર્ક કરેલી કાર સાથે અથડાઈ.
વાયરલ વીડિયોમાં દ્રવિડ અને ઓટો ડ્રાઈવર સ્થાનિક ભાષા, કન્નડમાં ગુસ્સાથી દલીલ કરતા જોવા મળ્યા. કાર અને ઓટોની ટક્કર કેવી રીતે થઇ તે સ્પષ્ટ નથી. વીડિયો જોઈને સમજાય છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. રાહુલ દ્રવિડના આ વીડિયોએ ચાહકોને 2021ની જાહેરાતની યાદ અપાવી દીધી જેમાં આ ખેલાડી આવી જ રીતે લડતો જોવા મળ્યો હતો.
તે જાહેરાતમાં રાહુલ કારમાંથી બહાર નીકળીને બૂમો પાડતો જોવા મળ્યો હતો. તે હાથમાં બેટ લઈને લોકોને ડરાવતો પણ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ આ ઘટના પર નિવેદન આપી કહ્યું, ‘અન્ય નાની ઘટનાઓની જેમ, આ ઘટનાનો પણ સ્થળ પર જ ઉકેલ આવી ગયો હશે. અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના કોઈ સમાચાર નથી.’
Rahul Dravid’s Car touches a goods auto on Cunningham Road Bengaluru #RahulDravid #Bangalore pic.twitter.com/AH7eA1nc4g
— Spandan Kaniyar ಸ್ಪಂದನ್ ಕಣಿಯಾರ್ (@kaniyar_spandan) February 4, 2025