વેંકટની થઇ ઓલિમ્પિક મેડલ વિનર પીવી સિંધુ, દુલ્હનનો જોવા મળ્યો રોયલ લુક- જુઓ લગ્નની તસવીરો

ભારતની સ્ટાર શટલર અને ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સિંધુએ રાજસ્થાનના ઉદયપુરમાં બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા. ત્યારે લગ્ન બાદ હવે પીવી સિંધુએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ હાજરી આપી હતી. તેમણે લગ્નની તસવીર શેર કરી કપલને શુભેચ્છાઓ પાઠવી. પીવી સિંધુએ 22 ડિસેમ્બર 2024ના રોજ ઉદયપુરમાં એક પ્રાઇવેટ ઇંટીમેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.

બેડમિન્ટન ખેલાડીએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. લગ્ન દરમિયાન પીવી સિંધુએ ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલ કપડાં અને જ્વેલરી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પીવી સિંધુની સાડી પર સોના અને ચાંદીની ધારિઓ સાથે બિલ્લા અને જરદોઝી ભરતકામનું ખૂબસુરત કામ કરવામાં આવ્યુ હતું.

આ સાડી સાથે તેણે ઝીણવટ કારીગરી વાળો બ્લાઉઝ પહેર્યો હતો. દુલ્હનના લુકમાં પીવી સિંધુ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પીવી સિંધુએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી હેવી જ્વેલરી પહેરી હતી. જ્યારે વેંકટ દત્તા સાઈએ પરંપરાગત બ્રોકેડ શેરવાની પહેરી હતી, આ સાથે તેણે ધોતી પહેરી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં 22 ડિસેમ્બરે લગ્ન બાદ પીવી સિંધુ અને વેંકટ દત્તા સાઈ 23 ડિસેમ્બર 2024ના રોજ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

આ દરમિયાન ન્યુલી વેડ કપલે પરંપરાગત આઉટફિટ પહેર્યો હતો, જેમાં પીવી સિંધુ ઓરેન્જ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે વેંકટ દત્તા સાઈએ સફેદ કુર્તા સેટ પહેર્યો હતો. એરપોર્ટથી બહાર નીકળતી વખતે પીવી સિંધુ અને વેંકટ દત્તાએ મીડિયા સાથે વાત પણ કરી હતી. હવે કપલનું વેડિંગ રિસેપ્શન 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાયુ.

પ્રી વેડિંગ ફંક્શનની વાત કરીએ તો 20 ડિસેમ્બરના રોજ સંગીતમય કાર્યક્રમ સાથે સિંધુના લગ્ન ઉત્સવની શરૂઆત થઈ હતી. જે બાદ બીજા દિવસે હલ્દી, પેલ્લિકુથુરુ અને મહેંદીની રસ્મો થઇ, આ રસ્મો એ જ હોટલમાં થઈ હતી જ્યાં પીવી સિંધુના લગ્ન થયા હતા. લગ્ન સમારોહ ઉદયપુરમાં 3 અલગ-અલગ જગ્યાએ યોજાયો હતો. આ માટે ઝિલ મહેલ, લીલા મહેલ અને જગ મંદિરને પસંદ કરવામાં આવ્યુ હતુ. વેન્યુની સજાવટમાં રાજસ્થાની શાહી ઝલક જોવા મળી હતી.

દરેક મહેમાનને બોટ દ્વારા સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. લગ્નમાં ભારતીય અને વિદેશી મહેમાનો માટે રાજસ્થાની અને મેવાડી શૈલીની વાનગીઓ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પીવી સિંધુ રમતના મેદાનમાં તો વિરોધીઓને ધૂળ ચટાવે છે પરંતુ લગ્નના જોડામાં તે બોલિવુડ અભિનેત્રીઓને પણ ફેઇલ કરતી જોવા મળી હતી. તે દક્ષિણ ભારતીય આઉટફિટમાં કહેર વરસાવતી જોવા મળી હતી. જણાવી દઇએ કે, સિંધુ અને વેંકટ દત્તા સાઈની 11 ડિસેમ્બરે સગાઈ થઈ હતી. સિંધુનો પતિ Posidex Technologies નો CEO છે.

તેણે 2018માં ફ્લેમ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને ફાઈનાન્સમાં બીબીએ પૂર્ણ કર્યું હતું. આ પછી, તેણે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, બેંગલુરુમાંથી ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેણે લિબરલ આર્ટસ એન્ડ સાયન્સમાં ડિપ્લોમા પણ કર્યુ છે. JSWમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેણે IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સનું સંચાલન પણ કર્યું હતું. સિંધુની વાત કરીએ તો, તે 7 જાન્યુઆરી 2025થી શરૂ થનારી મલેશિયા ઓપનની તૈયારીમાં જોડાવાની છે.

Shah Jina