‘પુષ્પા-2’ રિલીઝ પહેલાં જ વિવાદમાં! બહિષ્કાર કરવાની ધમકી મળી, મહાકાળીના અવતારમાં અમુક સીન હટાવવાની માગ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2’ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં રિલીઝ પહેલાં જ ફિલ્મને લઈ વિવાદ સર્જાયો છે. હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનું કહેવામાં છે. જેમાં, અભિનેતા અલ્લુ અર્જુન મહાકાળીના અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાંથી આ સીન હટાવવાની માગ કરવામાં આવી રહી છે.

આ કેસના તપાસ અધિકારી ગૌતમ કુમારનું કહેવું છે કે, ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ફરિયાદ હિસારના જુગલાનના રહેવાસી કુલદીપ કુમારે નોંધાવી છે. કુલદીપે કહ્યું છે કે પૈસાની ખાતર જાણીજોઈને કોઈ ચોક્કસ ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો ફિલ્મ આ જ રીતે ચાલવામાં આવશે તો તે તેને હિસાર (હરિયાણા)માં રિલીઝ થવા દેશે નહીં.

કુલદીપ કુમારે ફરિયાદમાં શું લખ્યું ?

ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’નું ટ્રેલર 17 નવેમ્બર રવિવારના રોજ પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે. એક્ટર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મેં જોયું કે ટ્રેલરમાં મહાકાળી જેવી તસવીર બતાવવામાં આવી છે. એક્ટર અલ્લુ અર્જુન અર્ધનારીશ્વર અવતારમાં જોવા મળ્યો હતો, જેના કારણે સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો અને મારા ધર્મની આસ્થાને ઠેસ પહોંચી છે. હું ફિલ્મની સાથે સાથે તમામ કલાકારોનું સન્માન કરું છું, પરંતુ કેટલાક કલાકારો એવા છે જે પૈસાની ખાતર એક ચોક્કસ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો આ સીનને ફિલ્મમાંથી હટાવવામાં નહીં આવે તો ‘પુષ્પા 2 ધ રૂલ’ને હરિયાણાના હિસારમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. ફરિયાદમાં એક્ટર અલ્લુ અર્જુનનું ઈમેલ આઈડી અને કાયમી સરનામું આપવામાં આવ્યું છે. કુલદીપે પોલીસ પ્રશાસન પાસે માગ કરી છે કે દિગ્દર્શક અને કલાકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

Twinkle