આણંદના આ પાણીપુરી વાળા કાકા દેખાય છે અદ્દલ નરેન્દ્ર મોદીજી જેવા, લોકો ખાસ આવે છે તેમની પાસે સેલ્ફી લેવા…જુઓ વીડિયો

અદ્દલ PM મોદી જેવા દેખાય છે પાણીપુરી વેંચતા આ કાકા, અવાજ પણ છે એમના જેવો જ.. વીડિયો જોઈને લોકો બોલ્યા.. ચા વેંચતા હોત તો PM બની જતા…જુઓ

એવું કહેવાય છે કે આ દુનિયામાં એક જ જેવા દેખાતા 7 વ્યક્તિઓ છે. ઘણીવાર તમને ક્યાંકને ક્યાંક તમારા હમશકલ પણ જોવા મળી જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા સેલેબ્સના પણ હમશકલ તમે જોયા જ હશે. ત્યારે હાલ નરેન્દ્ર મોદીના એક હમશકલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

પીએમ મોદીના હમશકલ  ભારતના બીજા રાજ્યમાં કે અન્ય દેશમાં નહીં પરંતુ ગુજરાતમાં જ છે. ફૂડ બ્લોગર eatinvadodaraએ તાજેતરમાં Instagram પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સફેદ કુર્તા પાયજામા પીળા જેકેટ પહેરેલા આ વ્યક્તિને જોઈને તમે પણ છેતરાઈ જશો અને એકવાર જોશો તો તમને લાગશે કે શું આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે?

પરંતુ તમને જણાવી દઈએ પીએમ મોદી જેવા દેખાતા આ વ્યક્તિનું નામ છે અનિલભાઈ ચંદ્રાના, જે ગુજરાતના આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં પાણીપુરીનો મોટો સ્ટોલ લગાવે છે. તેમની બોડી લેંગ્વેજ, ડ્રેસિંગ સ્ટાઈલ અને તેમની સ્ટાઈલથી તેઓ સંપૂર્ણપણે પીએમ નરેન્દ્ર મોદી જેવા લાગે છે અને લોકો તેમને મોદી ભાઈ તરીકે પણ બોલાવે છે.

પીએમ મોદી જેવા દેખાતા અનિલભાઈએ જણાવ્યું કે તેમનો સાઇડ ફેસ પીએમ મોદી જેવો જ છે. તે 15 વર્ષની ઉંમરથી અહીં ચાટ વેચે છે. તેઓ પાણીપુરીની સાથે ભેલ પુરી, દહી પુરી, સેવ પુરી અને ટોકરી ચાટ વેચે છે. તેમણે કહ્યું કે આપણા દેશના વડાપ્રધાન પણ પહેલા ચા વેચતા હતા અને પછી દેશના વડાપ્રધાન બન્યા હતા. હું પાણીપુરી વેચું છું, કદાચ હું આગામી વડાપ્રધાન બનીશ?

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોએ તેને લાઈક કર્યો છે. એક યુઝરે કમેન્ટ કરી કે તેમનો અવાજ પણ પીએમ મોદી જેવો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે કેજરીવાલના દેખાવડા પણ દિલ્હીમાં ચાટ પાણીપુરી વેચે છે. આ ઉપરાંત એક યુઝરે લખ્યું કે કાકા, તમને મોદીજીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા મળી શકે છે. તમે કોશિશ કરો. બીજાએ લખ્યું કે માત્ર તેમનો ચહેરો જ નહીં, તેમનો અવાજ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો છે.

Niraj Patel