લે બોલો…પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે, આદુ, ઘઉં, ઈંડાનો ભાવ સાંભળીને કાન બંધ કરી દેશો

મોંઘવારીએ તો સામાન્ય માણસની કમર તોડી દીધી છે. હાલમાં તો પેટ્રોલ અને ડિઝલની મોંઘવારી સામે લોકો લડી રહ્યા છે, ત્યાં વળી એક બીજા મોંઘવારીના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં મોંઘવારીથી હાહાકાર મચી ગયો છે. શાકભાજી અને ઇંડાની કિંમત આકાશને સ્પર્શી રહી છે. એક ઇંડાની કિંમત 30 રૂપિયા થઇ ગઇ છે, જયારે એક કિલો આદુ 1000 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે. આ ઉપરાંત ઘઉંની કિંમત 6000 રૂપિયા ક્વિંટલ થઇ ગઇ છે. ખાંડ 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગઇ છે.

જો કે, તમને જણાવી દઇએ કે, આ મોંઘવારી પાકિસ્તાનમાં છે. ઇમરાન ખાનને મોંઘવારીનો ફટકો પડ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર દેશના મોટાભાગના ભાગમાં શિયાળા દરમિયાન ઇંડાની માંગ વધી જાય છે. આવી સ્થિતિમાં આ વખતે ઈંડાની કિંમત 350 રૂપિયા પ્રતિ ડઝન એટલે કે એક ઈંડાની કિંમત 30 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં રિટેલમાં ઇંડા ખરીદનારા પાકિસ્તાનના ગરીબ લોકો સામે નવું સંકટ ઊભું થયું છે.

પાકિસ્તાનની 25 ટકાથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે છે. આ વસ્તી તેમના ખોરાકમાં મોટા પાયે ઈંડાનો ઉપયોગ કરે છે. ધ ડોનના અહેવાલ મુજબ, મોંઘવારીને કારણે શહેરી વિસ્તારોમાં રહેતા પરિવારો એક ડઝનને બદલે 2 થી 6 ઇંડા ખરીદીને કામ ચલાવી રહ્યા છે.આ દિવસોમાં પાકિસ્તાન અનાજની અછતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન પહેલા વિશ્વમાં ડુંગળીની નિકાસ કરતું હતું. તેણે હવે તેના દેશમાં ડુંગળીના ભાવ ઘટાડવા માટે આયાત કરવી પડશે. ઈમરાન ખાન લોટ અને ખાંડના ભાવ ઘટાડવા માટે કેબિનેટ અને અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યા છે.

દેશમાં ગેસ સપ્લાય કરતી કંપની સુઈ નોર્દનને દરરોજ 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ ગેસની અછતનો સામનો કરવો પડશે. ઇમરાન સરકારે સમયસર ગેસ ખરીદ્યો ન હતો, જેના કારણે દેશની જનતાને આનો સામનો કરવો પડી રહ્યો છે.

Shah Jina