રાજકોટમાં સમૂહલગ્નમાં આયોજકો ગાયબ થઇ જતા મચ્યો હોબાળો, પોલીસે લગ્નવિધિ કરાવી ને નવદંપતીને આપ્યા આશીર્વાદ
રાજકોટમાં માધાપર ચોકડી નજીક આજે સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જો કે લગ્ન સમયે આયોજકો ગાયબ થઈ જવાને કારણે હોબાળો મચી ગયો હતો. લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પરણવા આવેલાં વર-વધૂ સહિત તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો જાન જોડી પરણવા પહોંચ્યા હતા, પણ કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે આયોજકો પણ ગાયબ હતા.
જાન લીલા તોરણે પરત ફરવા લાગતાં કન્યાઓ વિદાય પહેલા જ રડી પડી હતી. જોકે પરિવારજનોએ હોબાળો મચાવતાં રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવ્યુ હતુ. રાજકોટ પોલિસે લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી અને રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપતીને આશીર્વાદ આપ્યા.
આ દરમિયાન લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. પોલીસ સાથે સાથે રાજકોટના સામાજિક આગેવાનો આગળ આવ્યા અને લગ્નપ્રસંગે નવવધૂને જે કરિયાવર આપવાનો હોય છે તેની વ્યવસ્થા કરી આપી. આ ઉપરાંત ભોજનની પણ તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ પોલીસે આ મામલે આયોજક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જો કે આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાને કારણે હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટસ મૂક્યું હોવાનું સામે આવ્યુ છે.
હોસ્પિટલે તેને શુક્રવારે રાત્રે જ ડિસ્ચાર્જ કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલ ADB હોટલ સામે આવેલ ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતિય દીકરીનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને સમૂહલગ્નના આયોજકોએ વર અને કન્યાપક્ષ પાસેથી 15થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું સામે આવ્યું છે. જો કે લગ્નના દિવસે જ સવારથી કોઈપણ આયોજકો હાજર ન થતા છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.