UPમાં ફરી નિકળ્યો કુબેરનો ખજાનો, મકાનમાં જ્યાં જુઓ ત્યાં રૂપિયા જ રૂપિયા મળ્યાં

થોડા દિવસ પહેલા યૂપીના એક વેપારીને ત્યાં ઈન્કમ ટેક્સની રેડ પડી હતી ત્યારે કરોડો રૂપિયા મળી આવ્યા હતા. જેને લઈને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. કારણ કે રૂપિયા એટલા બધા હતા કે ત્રણ દિવસ સુધી મશીનથી ગણતરી ચાલી હતી.

હવે આવી ઘટના ફરી યૂપીમાં સામે આવી છે. જ્યાં નોઈડા સેક્ટર-44 વિસ્તરમાં પોલીસે એક ઘરમાંથી 3 કરોડ 70 લાખ 50 હજાર રૂપિયા ઝડપી પાડ્યા છે. આ અંગે પોલીસે ઈન્કમટેક્સ વિભાગને તાત્કાલિક સૂચના આપી છે. 10 તારીખ ચૂંટણી શરૂ થવાની છે જેને લઈને પોલીસ હથિયાર, દારૂ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર પર નજર રાખીને બેઠી છે.

આ ઉપરાંત બોર્ડર પર પણ નજર રાખી રહી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સેક્ટર 39ના પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી હતી કે સેક્ટર 44માં પ્રેમ સિંહ નગરના મકાનમાં મોટી માત્રામાં રોકડ રાખવામાં આવી છે. જેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

આ મકાનના બીજા માળે ભાડે રહેતા પ્રેમ પાલના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી. જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક આ ઘટનાની જાણ ઈન્કમટેક્સ વિભાગને કરી હતી. ત્યારબાદ ઈન્કમટેક્સના ઓફિસરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મળી આવેલી રકમની ગણતરી શરૂ કરી હતી.

આ ગણતરીમાં જાણવા મળ્યું કે 3,70,50,000 રૂપિયા રોકડા છે. તો બીજી તરફ આ રોકડા રૂપિયા અંગે પ્રેમ પાલ પાસે કોઈ પણ દસ્તાવેજ નહોતા. હવે ઈન્કમટેક્સની ટીમ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગૌતમ બુદ્ધ નગરની ત્રણેય સીટો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે તેથી ત્યાં આ પૈસાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ રૂપિયા કોને આપવાના હતા.

આ પહેલા નોઈડા પોલીસે એક કારમાંથી 99 લાખ રૂપિયા પકડી પાડ્યા હતા. જેમા અખિલેશ નામના યુવકની ધરપકડ પણ કરવામાં આવી હતી. નોઈડા પોલીસે અત્યાર સુધીમાં 5 કરોડથી વધુની રકમ ઝડપી પાડી છે.

YC