નટુકાકાના દીકરા વિકાસ નાયકે જણાવી પિતાના અંતિમ દિવસોની હાલત, કહ્યું, “પિતાજી ભૂલી ગયા હતા તેમનું પોતાનું નામ….”

ટીવી ઉપર દર્શકોના મનગમતા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના ખ્યાતનામ અભિનેતા ઘનશ્યામ નાયક જે આ શોની અંદર નટુકાકાનું પાત્ર ભજવી અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવતા હતા તેમનું 77 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. નટુકાકાએ તેમના પાત્ર દ્વારા દર્શકોને ખુબ જ હસાવ્યા, જેના કારણે તેમના નિધન બાદ ચાહકોને પણ ઊંડો આઘાત લાગ્યો હતો.

નટુકાકાના જીવન સાથે જોડાયેલી ઘણી બધી બાબતો સામે આવી, પરંતુ હાલમાં નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના દીકરા વિકાસ નાયકે નટુકાકાના અંતિમ દિવસો વિશે મીડિયા સાથે વાત કરી હતી, તેમને જણાવ્યું હતું કે ઘનશ્યામ નાયકની છેલ્લા દિવસોમાં કેવી હાલત હતી. વિકાસે નટુકાકાના છેલ્લા એક વર્ષના જીવન વિશે વાત કરી હતી.

વિકાસ નાયકે ઈ ટાઈમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “એક વર્ષ પહેલાં મારા પપ્પાની કેન્સરની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ રેડિએશન તથા કિમોથેરપી થઈ હતી. મારા પપ્પાને જે કેન્સર થયું તે રૅર કેન્સર હતું અને તેથી જ સારવાર ટ્રાયલ એન્ડ એરર પર ચાલતી હતી. તેમણે કુલ 9 રેડિએશન લીધા હતા, જેમાં પાંચ ગયા વર્ષે અને આ વર્ષે 4 લીધા હતા.”

તેમને આગળ એમ પણ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે મારા પિતાજીએ 30 રેડિએશન લીધા હતા. સપ્ટેમ્બર 2020માં એમ લાગ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ માર્ચ 2021માં પપ્પાના ચહેરા પર સોજો આવી ગયો હતો. અમને એમ લાગ્યું કે રેડિએશનને કારણે આમ થયું હતું. જોકે, રિપોર્ટમાં કેન્સર ફેફસાં સુધી ફેલાઈ ગયું હોવાની વાત સામે આવી હતી.”

વિકાસે એમ પણ જણાવ્યું કે “એપ્રિલ, 2021માં અમે ફરીથી કિમોથેરપી ચાલુ કરી હતી અને ચાર કિમો લીધા હતા. આ કિમો જૂન સુધી ચાલ્યા હતા. પરંતુ તેનાથી કોઈ જ ફેર પડ્યો નહોતો. એટલું જ નહીં સોજો પણ ઉતર્યો નહોતો.આ સ્થિતિમાં પણ પપ્પાએ કામ કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નું થોડું શૂટિંગ કર્યું હતું અને એક જાહેરાતનું પણ શૂટિંગ કર્યું હતું.”

વિકાસ નાયકે તેમના પિતાજી ઘનશ્યામ નાયકના અંતિમ દિવસો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “બીજી ઓક્ટોબરે પપ્પાએ મને પૂછ્યું હતું, ‘હું કોણ છું?’ તેઓ પોતાનું નામ જ ભૂલી ગયા હતા. આ વખતે મને લાગ્યું કે તેઓ અલગ જ દુનિયામાં પહોંચી ગયા છે. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે અમે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટને બોલાવ્યો હતો અને તેમના ચહેરા પર મેકઅપ કરાવ્યો હતો. હું એક વાત જરૂરથી કહીશ કે જ્યારે તેમના ધબકારા બંધ થયા ત્યારે તેમના ચહેરા પર અદમ્ય શાંતિ જોવા મળી હતી.”

Niraj Patel