સુરત : બાઇક પર ફરવા નીકળેલ પાલિકા અધિકારીના પુત્રને કાર ચાલકે ઉડાવી દીધો, પરિવારના માથે તૂટી પડ્યુ આભ
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માત કોઇ પરિવાર માટે ખૂબ જ ખતરનાક સાબિત થતા હોય છે. ત્યારે સુરતમાંથી 8 માર્ચના રોજ અજાણ્યા કાર ચાલકે બે બાઇક સવાર પિતરાઇ ભાઇઓને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ જયારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. મૃતક સુરત મહાનગરપાલિકાના અધિકારીનો પુત્ર છે જયારે બીજો તેનો પિતરાઇ ભાઇ છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક કારચાલક બાઇકસવારને અડફેટે લેતા દેખાઇ રહ્યો છે પરંતુ આ ઘટનાને 60 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છત્તાં પણ સુરત પોલિસ આ કારચાલકને શોધી શકી નથી. મંગળવારના રોજ રાત્રે બનેલી આ ઘટનામાં પરિવારના એકના એક પુત્રનું મોત થયુ હતુ. 28 વર્ષિય ભાવેશ જરીવાલા પાલ અડાજણ શારદા રો-હાઉસ ખાતે રહેતો હતો. તેના પિતા પાલિકાના ઉઘના ઝોનમાં અધિકારી છે જયારે માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. પ્રમોદભાઇ કે જે ભાવેશના પિતા છે તેમણે જણાવ્યુ કે તેમણે દીકરાને દિલ પર પથ્થર મૂકી કાંધ આપી છે.

તેના લગ્નના તો સપના જોવાતા હતા પરંતુ વિધાતા એટલો નિષ્ઠુર કઇ રીતે બની શકે. તેમણે કહ્યુ કે, હજી પણ તેમનું દિલ માનવા તૈયાર નથી કે તેમનો દીકરો દુનિયા છોડી ચાલ્યો ગયો છે. પરિવાર તો આંસુઓના સાગરમાં ડૂબેલો છે. તેમણે આગળ કહ્યુ કે, છોકરો તો અમે ગુમાવ્યો કારચાલકનું કયાં કંઇ ગયુ. અમે એને સજા અપાવીશુ અને ન્યાય માટે કોર્ટના દરવાજા પણ ખખડાવીશું.

તે તેના પિતરાઇ ભાઇ સાથે બાઇક લઇ ફરવા નીકળ્યો હતો ત્યારે પાલ અન્નપૂર્ણ મંદિર નજીક વળાંકમાં એક બેફામ કારે બંનેને અડફેટે લીઘા હતા અને તેના કારણે બાઇકચાલક એટલે કે મૃતકનો પિતરાઇ ભાઇ અક્ષય જમીન પર પટકાયો, જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી અને ભાવેશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને 60 કલાકથી પણ વધુનો સમય વીતી ગયો છે ત્યારે હજી પણ કારચાલકનો કોઇ પત્તો લાગ્યો નથી.

સીસીટીવીમાં બાઇકને અડફેટે લેતી કાર દેખાઇ રહી છે. તે સંજીવ કુમાર ઓડીટોરિયમ તરફ પણ ભાગતી જોવા મળી રહી છે. ત્યારે આ તમામ પુરાવા પોલિસ પાસે પણ છે, તેમ છત્તાં પોલિસ એમ કહી રહી છે કે તપાસ ચાલી રહી છે. એકબાજુ તો સુરત પોલિસે મોટા મોટા ઘણા ગુનાઓ ઉકેલ્યા છે. ત્યારે આ ગંભીર અકસ્માતના ગુનામાં એકનો એક દીકરો ગુમાવનાર મૃતકના પરિવારવાળા સુરત પોલિસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે.