દેશના સૌથી અમીર પરિવારની વાત આવે ત્યારે બધાના મગજમાં એક જ નામ ચાલતુ હોય અંબાણી ફેમીલીનું…અંબાણી પરિવાર ઘણીવાર તેમની સાદગીને લઇને તો ઘણીવાર તેમની લગ્ઝરી લાઇફસ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો સામે આવે છે જે જોઇ ખ્યાલ આવે છે કે મુકેશ અંબાણીનો પરિવાર પરંપરાઓ પ્રત્યે વિશ્વાસ અને આસ્થા રાખે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 50માં ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સમાં મોટી વહુ શ્લોકા મહેતાના વખાણ કર્યા હતા.
જણાવી દઇએ કે, શ્લોકા રસેલ મહેતા અને મોના મહેતાની દીકરી છે. રસેલ મહેતાનો ડાયમંડ અને રિયલ એસ્ટેટનો બિઝનેસ છે.મુકેશ અંબાણીએ શ્લોકાના વખાણ કરતા કહ્યું કે તેઓ અને તેમનો પરિવાર શ્લોકાને તેમની વહુ તરીકે મેળવીને કેટલા ખુશ છે. તેમણે કહ્યું કે શ્લોકા ‘પાલનપુરી’ સમુદાયની છે અને આ લોકો વિશે એવું કહેવાય છે કે તેઓ ન તો પોતાનો બિઝનેસ શેર કરે છે અને ન તો પોતાની દીકરીઓને.
‘પાલનપુરી’ સમુદાયનો વ્યવસાય એક પેઢીથી બીજી પેઢી સુધી પસાર થાય છે અને તેમની દીકરીઓના લગ્ન તેમના જ સમુદાયમાં થાય છે. અમે ઘણા નસીબદાર હતા કે રસેલની દીકરી શ્લોકા અમારા પરિવારમાં આવી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર તેમણે એમ પણ કહ્યું કે મારા મિત્રોને લાગે છે કે નીતાને લોકોની પહેચાન છે અને તેણે જ ‘પાલનપુરી’ પરિવારમાંથી શ્લોકાને પસંદ કરી છે. પરંતુ તે એવું નથી.
આકાશ-શ્લોકા સ્કૂલમાં સાથે ભણતા હતા અને અમને તેમના રોમાંસ વિશે ખબર ન હતી. ખરેખર, શ્લોકા તમારા ઉદ્યોગ (હીરા ઉદ્યોગ) અને ‘પાલનપુરી’ સમુદાયનો સાચો હીરો છે. તે અમારા સમગ્ર પરિવાર માટે ખુશીઓ લાવી છે. જણાવી દઈએ કે શ્લોકા મહેતાએ વર્ષ 2019માં મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી સાથે લગ્ન કર્યા હતા.
શ્લોકા મહેતા અને આકાશ અંબાણી બાળપણના મિત્રો છે. બંનેએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો અને હવે તેઓ બે સુંદર બાળકોના માતા-પિતા છે. આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. જૂન 2022થી તે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL) ના ચેરમેન તરીકે કામ કરી રહ્યો છે.
આ ઉપરાંત શ્લોકા પરિવારની ચેરિટેબલ સંસ્થા – રોઝી બ્લુ ફાઉન્ડેશન માટે કામ કરે છે. શ્લોકાની માતા મોના મહેતા જ્વેલરી ડિઝાઈનર છે. શ્લોકાનો મોટો ભાઈ વીરજ અને નાની બહેન દિયા છે. વીરજ હીરાનો વ્યવસાય સંભાળે છે, જ્યારે તેની બહેન દિયા ઈશા અંબાણી પીરામલની નજીકની મિત્ર છે અને ફેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.