ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં 25 દિવસ પહેલા એક મહિલા ગુમ થઈ ગઈ હતી. પતિની ફરિયાદના આધારે પોલીસે તેને શોધી કાઢી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી, જ્યાં તેના બાળકો અને સસરા રડી પડ્યા. મહિલાએ જાહેર કર્યું, “હું હવે કોઈપણ સંજોગોમાં મારા પતિ સાથે રહેવા માંગતી નથી.” રડતા રડતા સસરાએ કહ્યુ, “માતા વિના મારા પૌત્રો કેવી રીતે જીવશે ? મારો આખો પરિવાર તૂટી ગયો છે.” પતિ અને સસરાની ફરિયાદ બાદ પોલીસે 25 દિવસ પછી મહિલાને શોધી. જો કે, જ્યારે તેણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેના નિવેદનથી બધા ચોંકી ગયા.

આ સમગ્ર ઘટના એટા જનપદના અલીગંજ તહસીલ વિસ્તારના ઝકરઈ ગામમાં બની હતી. 25 વર્ષીય મનીષા 25 દિવસ પહેલા અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ. તેના પતિ ભૂપસિંહે ગુમ થયાનો રિપોર્ટ દાખલ કરાવ્યો હતો. શોધખોળ બાદ પોલીસે બદાયૂં જિલ્લામાંથી મનીષાને શોધી કાઢી અને તેને એસડીએમ જગમોહન ગુપ્તાની કોર્ટમાં રજૂ કરી. કોર્ટમાં મનીષાએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા. તેણે આરોપ લગાવ્યો કે તે દારૂ પીતો હતો, જુગાર રમતો હતો અને રાત્રે અજાણ્યા લોકોને ઘરે લાવતો હતો અને તેને શારીરિક સંબંધ માટે મજબૂર કરતો હતો.

તેણે કહ્યું કે તે હવે તેની સાથે રહેવા માંગતી નથી. મનીષાએ કોર્ટને જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બદાયૂં જિલ્લાના મુકેશ યાદવ નામના વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી, જે ધીમે ધીમે પ્રેમમાં પરિણમી. તે હવે તેની સાથે રહેવા માંગે છે અને તેના બાળકોને પોતાની સાથે નહીં લઈ જાય. મનીષાના સસરા અને બાળકો SDM કોર્ટની બહાર રડી રહ્યા હતા અને વિનંતી કરી રહ્યા હતા ત્યારે પણ મનીષાએ પાછળ ફરીને જોયું નહીં. કોર્ટ પરિસરમાં હાજર લોકોએ મહિલાના આ કૃત્યની સખત નિંદા કરી અને કહ્યું કે તેણે એક માતાના પ્રેમનું અપમાન કર્યું છે.
