અમદાવાદમાં કોરોનાએ લઇ લીધો 30 વર્ષના જુવાન જોધ દીકરાનો જીવ, 3 વર્ષની બાળકી થઇ નિરાધાર, માતા પણ આવી હતી પોઝિટિવ

ફરીવાર કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાની ચપેટમાં ઘણા લોકો આવતા જાય છે. આ દરમિયાન અમદાવાદમાં પણ ઘણા લોકો કોરોના સંક્ર્મણનો શિકાર બન્યા છે. એવામાં જ ખબર આવી રહી છે કે અમદાવાદના મણિનગરમાંથી. જ્યાં એક 30 વર્ષના જુવાન જોધ દીકરાએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી 30 વર્ષીય રીશીત ભાવસાર પોતાની પત્ની, ત્રણ વર્ષની બાળકી અને માતા સાથે રહે છે. રીશીતને ગયા શનિવારના રોજ તાવ અને શરદીની તકલીફ થવાના કારણે ઇસનપુર ડોમ ખાતે રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો.

રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે પોતાના ઘરમાં જ હોમ ક્વોરેન્ટાઇન થયો હતો. હોમ ક્વોરેન્ટાઇન થવાના બે દિવસ બાદ જ તેની તબિયત વધારે બગડતા 108ની મારફતે તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બીજા દિવસે તબિયત વધારે ખરાબ થવાના કારણે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આઈસીયુમાં રાખ્યા બાદ રીશીતની તબિયત વધારે ખરાબ થવાના કારણે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. આ બાબતની રાત્રે જ તેમના પરિવારને જાણ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ બુધવાર સવારના રોજ તેમનું નિધન થયું હતું.

મળતી માહિતી પ્રમાણે રીશીતને જયારે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યારે જ તેનું સુગર પણ વધારે થઇ ગયું હતું. ત્યારબાદ હોસ્પિટલમાં તેની તબિયત વધારે ખરાબ થઇ હતી. જેના માટે એક ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.

વધુમાં મળતી માહિતી પ્રમાણે રીશીત ઉપરાંત તેમની 60 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ પણ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. રીશીત પરિવારનો એક માત્ર આધાર સ્થંભ હતો, તેના નિધનથી તેની ત્રણ વર્ષની દીકરીના માથેથી પિતાની છત્રછાયા ચાલી ગઈ છે.
(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel