મોરબી દુર્ઘટનામાંં અનાથ થયેલી હર્ષીના શિક્ષણ માટેની પહેલ સફળ થઈ, અધધધધ લાખ રુપિયા ભેગા થઇ ગયા

મોરબી અને પૂરા ગુજરાત માટે 31 ઓક્ટોબર 2022નો દિવસ ક્યારેય નહિ ભૂલી શકાય. ખાસ કરીને તો મોરબી શહેરના લોકો આ તારીખને ક્યારેય નહીં ભૂલી શકે. તહેવાર સમયે ઘણા લોકો તેમના પરિવારજનો અને મિત્રો સાથે મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ પર ગયા હતા અને ત્યાં રહેલ કોઇએ વિચાર્યુ નહિ હોય કે તે પુલ એકાએક તૂટી જશે અને સેંકડો લોકો મોતને ભેટશે. આ દુર્ઘટનામાં 130થી વધારે લોકો મોતને ભેટ્યા હતા અને તેમાં એક પાંચ-સાત વર્ષની નાની બાળકી હર્ષી ચાવડા પણ હતી.

હર્ષી તો આ દુર્ઘટનામાં બચી ગઇ પણ તેણે તેના માતા-પિતાને ગુમાવ્યા. આ માસૂમ દીકરીએ વિચાર્યુ પણ નહીં હોય કે તે તેના માતા-પિતા સાથે ફરવા માટે જરૂર નીકળી છે પણ તેના માથેથી માતા-પિતાની છત્રછાયા દૂર થઈ જશે. હર્ષી હાલ તો અમદાવાદના આંબાવાડી ખાતે તેના દાદા-દાદી સાથે રહે છે. હર્ષીના અભ્યાસનો ખર્ચ પૂરો કરવા માટે તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવેલા જિલ્લા શિક્ષણ અધિકારી(DEO) આર.એમ.ચૌધરીએ ક્રાઉડ-ફંડિગની શરુઆત કરી હતી અને આ પહેલને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. આ અંતર્ગત અત્યાર સુધી 5.51 લાખ રુપિયા એકત્રિત કરવામાં આવ્યા છે.

અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર, અમદાવાદના ભૂયંગદેવમાં આવેલી એક શાળાએ 30,000 રુપિયા દાન કર્યું છે. આ ઉપરાંત અનેક લોકોએ પોતાની ક્ષમતા અનુસાર રકમ દાન કરી છે. એક દાતાએ તો 400 રુપિયા પણ આપ્યા છે. DEO ચૌધરી અનુસાર, આ એક નાની પહેલ પણ મદદરુપ સાબિત થઈ શકે છે. જ્યારે તેઓએ આની શરુઆત કરી ત્યારે ટાર્ગેટ પાંચ લાખ રુપિયા ભેગા કરવાનો હતો પણ તેના કરતા વધારે રકમ એકત્રિત થઇ ગઇ છે. ટૂંક સમયમાં જ આ રકમ તે નાનકડી દીકરીના પરિવારને સોંપવામાં આવશે તેવું DEOએ જણાવ્યુ હતુ.

હર્ષીના કાકાએ જણાવ્યુ હતું કે, કેટલીક શાળાઓ તેને ધોરણ એકમાં એડમિશન આપવા અને ફી માફ કરવા માટે પણ તૈયાર છે. જો કે હજી સુધી શાળાની પસંદગી કરવામાં નથી આવી. આ દુર્ઘટના વિશે વાત કરતા હર્ષીએ જણાવ્યું હતું કે, તે તેના મમ્મી પપ્પા સાથે કચ્છથી ફરીને મોરબી તેના ફોઈના ત્યાં ગઇ હતી અને ત્યાંથી તે મોરબીનો ઝૂલતો પુલ જોવા ગયા. તેણે કહ્યુ કે, નદીનું પાણી ખૂબ જ ગંદુ હતું અને પૂર તૂટી જવાથી તેના મમ્મી પપ્પા નદીમાં પડી ગયા. પણ હર્ષીએ દોરી પકડી રાખી હોવાથી તેને પોલીસવાળાએ બચાવી લીધી હતી અને પછી તેનો ભાઈ આવીને તેને ત્યાંથી લઈ ગયો હતો.

Shah Jina