શું આવી રીતે ભણશે ગુજરાત ? સુરતની મેટાસ સ્કૂલે 8 વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂક્યા…રડી પડી વિદ્યાર્થીનીઓ

‘બેટી બચાવો, બેટી પઢાવો’ સુત્રને શાળા સંચાલકો ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ મેટાસ એડવાન્ટિસ્ટ સ્કૂલ હાલમાં વિવાદમાં ફસાઇ છે. શાળાના સંચાલકો દ્વારા બાકી ફી મુદ્દે આઠ વિદ્યાર્થીનીઓને LC પકડાવી દેતા હોબાળો મચી ગયો છે. આ બાબતે શાળાએ વાલીઓ દોડી આવતા સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. જો કે, જે વિદ્યાર્થીનીઓને શાળામાંથી હાંકી કાઢવામાં આવી હતી તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

સુરતની મેટાસ સ્કૂલની મનમાની સામે આવતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. 8 જેટલા વિદ્યાર્થીઓને ફી ન ભરાતા એલસી આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ મામલે વાલીઓએ શાળાની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ દરમિયાન વિદ્યાર્થીનીઓ રડી પડી હતી. ABVPએ પણ આ મામલે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ કાર્યકરોએ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત જો LC પાછા ન લેવામાં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી આપી હતી.

મેટાસ સેવન્થ ડે સ્કૂલ સુરતની અઠવાલાઈન્સ વિસ્તારમાં આવી છે, આ શાળાના સંચાલકોએ 8 વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધું કારણ કે ફી ભરવામાં આવી નહોતી. જેને કારણે વાલીઓ પોતાના બાળકો સાથે શાળાની બહાર ધરણા પર બેસ્યા હતા અને એબીવીપીએ શિક્ષણાધિકારીને આવેદન આપી ફરી પ્રવેશ અપાવવા માંગ કરી હતી. એબીવીપીએ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સ્કૂલને દંડ કરી તેની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

મનોજ જૈને આ મામલે જણાવ્યું કે, મેટાસ સેવન્થ ડે સ્કૂલે એક સાથે 8 વિદ્યાર્થીઓને LC આપી દીધુ અને તે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. સંચાલકોએ પ્રવેશ આપતી વખતે વાલી પાસે 70 હજારથી 1.50 લાખ જેટલું ડોનેશન લીધું અને સંચાલકો પહેલા ડોનેશન હતું હવે ફી લેવાશે એવું કહીને નાણા માંગી રહ્યા છે. શાળા દ્વારા વાલીઓને નોટિસમાં જણાવવામાં આવ્યુ કે, તમારું બાળક હવે અમારો વિદ્યાર્થી નથી. જો હવે બાળક સ્કૂલમાં આવશે તો તેને જુવેનાઈલ બોર્ડને સોંપી બાળક અને તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina