હે રામ, ગાંધીનગરમાં નાયબ મામલતદારનું હાર્ટ-એટેકથી નિધન, કચેરીમાં ખુરશી પર બેઠા બેઠા ઢળી પડ્યા, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનો કહેર વર્તાઇ રહ્યો છે. મોટેરાથી લઇને યુવાઓ અને કિશોરો પણ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો મામલો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ગત રોજ બપોરે લગભગ 46 વર્ષીય સર્કલ નાયબ મામલતદાર મનીષ કડિયાનું હાર્ટ એટેકનાં કારણે નિધન થયું.
ઘટનાને પગલે કલેક્ટર મેહુલ દવે સહિતના સાથી કર્મચારીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે નાયબ મામલતદારનું નિધન બાદ તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, બપોરના સમયે સર્કલ નાયબ મામલતદાર મનીષ કડિયા નોકરી પર હતા, તે સમયે ખુરશી પર બેઠા બેઠા તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તે ઢળી પડ્યા.
આ પછી તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તેમને બચાવવા CPR સહિતની સારવાર શરૂ કરાઈ હતી, પણ તેમનો જીવ બચી ન શક્યો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર મેહુલ દવે, ભાજપ આગેવાન કેતન પટેલ સહિત સ્ટાફના સાથી કર્મચારીઓ પણ સિવિલ દોડી ગયા હતા.
જણાવી દઇએ કે, મૃતકના પરિવારમાં વૃદ્ધ માતા અવે બે સંતાનો છે. તેમનો મોટો દીકરો ધોરણ-12માં અને નાની દીકરી ધોરણ-8માં અભ્યાસ કરે છે. મનીષભાઇની પત્નીનું આશરે બે વર્ષ પહેલા કેન્સરની બીમારીના કારણે નિધન થયું હતું. ત્યારે તેમને પણ અચાનક હાર્ટ એટેકનાં આવતા બે બાળકો અને વૃદ્ધ માતા નોધારા થયા છે.