ગુજરાતના મહીસાગર જિલ્લાના આ યુવતી ફસાઈ યુક્રેનથી પોલેન્ડ બોર્ડર પર, અમને કોઈ જવાબ દેતું નથી, ભૂખ્યા છીએ, -10 ડિગ્રી છે..ભારતીયને પહેલો મોકો નથી આપતું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઘણા ભારતીયો પણ યુક્રેનમાં ફસાઈ ગયા છે. જેમને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા મિશન ગંગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ઘણા ભારતીયોની વતન વાપસી થઇ ચુકી છે છતાં પણ હજુ ઘણી મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં ફસાયા છે.

સરકાર દ્વારા તેમને યુક્રેનને અડીને આવેલા દેશોનો બોર્ડર ઉપર પહોંચવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે ઘણા લોકો રોમાનિયા, હંગેરી અને પોલેન્ડની બોર્ડર ઉપર પહોંચી રહ્યા છે, પરંતુ બોર્ડર ઉપર પણ તેમને કેટલીક હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ઘણા વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

ત્યારે હાલ એક મહીસાગર જિલ્લાની એક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે હાલ પોલેન્ડ બોર્ડર ઉપર ફસાઈ છે અને મદદ માટે વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી રહી છે. આ યુવતીનું નામ જિમ્મી મુનિ છે અને તે મહીસાગર જિલ્લાની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે તેના મિત્રો સાથે કિવથી પોલેન્ડ બોર્ડર સુધી પોતાના જીવન જોખમે પહોંચી હોવાનું જણાવી રહી છે.

જિમ્મી એક વીડિયોની અંદર જણાવી રહી છે કે તે કિવથી પોલેન્ડ બોર્ડર જવા નીકળ્યા છે અને તેમની સાથે 20 લોકો છે. તે બસ દાવર પોલેન્ડ બોર્ડર જઈ રહ્યા છે, તે કહી રહી છે કે કિવ હવે સુરક્ષિત ના રહ્યું હોવાના કારણે અમારે તેને છોડવું પડ્યું અને કિવથી બોર્ડર સુધી પહોંચવામાં અમને ભારતીય એમ્બેસીની કોઈ મદદ નથી મળી.

તો અન્ય એક વીડિયોની અંદર જિમ્મી જણાવી રહી છે કે તે કાલે રાત્રેથી જ સફર કરી રહ્યા છે અને બોર્ડર ઉપર પણ તેમના માટે કોઈ વ્યવસ્થા નથી, અહીંયા લાંબી લાઈનો છે અને અમે ક્યારના ભૂખ્યા તરસ્યા છીએ અને અહીંયા ઠંડી પણ બહુ છે. અને અહીંયા ભારતીયોને પહેલા જવા દેવામાં નથી આવી રહ્યા. અહીંયા ઠંડીના કારણે હાલત પણ ખરાબ થઇ રહી છે.

આ ઉપરાંત તે એમ પણ જણાવી રહી છે કે, “અમે જ્યારે કિવથી નીકળ્યા ત્યારે અમને ટ્રેનમાં બેસવા માટે જગ્યા મળી નહોતી. 12 કલાકનો સફર અમે ઊભા ઊભા જ પસાર કરી હતી અને રાત્રે અમે લવીવ પહોંચ્યા હતા અને ત્યાં પણ કર્ફ્યૂ લાગી ગયો હતો, જેથી અમે આખી રાત્ર રેલવે સ્ટેશન પર ગુજારી હતી, જ્યાં ખૂબ ઠંડી હતી અને કાલથી અમે કંઇ ખાધુંપીધું નથી.” આ ઉપરાંત તે એમ પણ જણાવી રહી છે કે, “પ્લીઝ, અમને અહીંથી બહાર કાઢો, અમને કંઇ થઇ ગયું તો જવાબદારી કોણ લેશે?”

Niraj Patel