8 કરોડની કારમાં આ કેવી સેફ્ટી, રસ્તા પર આગની લપટોમાં આવી ગઈ લેમ્બોર્ગિની, ગૌતમ સિંઘાનિયાએ વાયરલ કર્યો વીડિયો

મુંબઈમાં 25 ડિસેમ્બર બુધવારે મોડી રાત્રે લેમ્બોર્ગિની લક્ઝરી કારમાં આગ લાગી હતી. આ ઘટના કોસ્ટલ રોડ પર લગભગ 10:20 વાગ્યે બની હતી જ્યારે લેમ્બોર્ગિની રેવલ્ટો લક્ઝરી કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. રેમન્ડ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમણે ખાસ કરીને ઈટાલિયન લક્ઝરી કાર નિર્માતા દ્વારા વેચવામાં આવતા વાહનોની સુરક્ષાની ટીકા કરી છે.

વીડિયોમાં નારંગી રંગની લેમ્બોર્ગિની રેવલ્ટો આગમાં સળગતી જોવા મળે છે. જ્યારે એક વ્યક્તિ હોઝપાઈપ વડે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફાયર બ્રિગેડની મદદથી 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેવલ્ટો એ લેમ્બોર્ગિનીના ઈન્ડિયા પોર્ટફોલિયોમાં સૌથી મોંઘી લક્ઝરી કાર છે, જેની એક્સ-શોરૂમ પ્રાઈઝ રૂ. 8.89 કરોડ છે.

સિંઘાનિયાએ લેમ્બોર્ગિનીની લક્ઝરી કાર વિશે સુરક્ષાની ચિંતા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો સહારો લીધો હતો. તેમણે લખ્યું, “આવી ઘટનાઓ લેમ્બોરગીનીની વિશ્વસનીયતા અને સલામતીનાં ધોરણો વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. કિંમત અને પ્રતિષ્ઠા માટે, વ્યક્તિ બેફામ ગુણવત્તાની અપેક્ષા રાખે છે – સંભવિત જોખમોની નહીં.”પોતાના વૈભવી કાર કલેક્શન માટે જાણીતા સિંઘાનિયાએ અગાઉ આ જ મોડેલની ટેસ્ટ ડ્રાઇવિંગ કરતી વખતે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફરિયાદ કરી હતી.

આ વર્ષે ઓક્ટોબરમાં સિંઘાનિયાએ લેમ્બોર્ગિની રેવલ્ટો ચલાવવાનો તેમનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે મુંબઈના ટ્રાન્સ-હાબર લિંક રોડ પર બનેલી ઘટનાના 15 દિવસ પહેલા જ તેમણે સુપરકારની ડિલિવરી લીધી હતી. સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ડ્રાઇવ દરમિયાન લક્ઝરી કારમાં ઇલેક્ટ્રિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે ફસાઈ ગયા હતા. સિંઘાનિયાએ કહ્યું કે જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે લેમ્બોર્ગિની ભારત અથવા તેના એશિયાના વિભાગમાંથી કોઈએ તેમનો સંપર્ક કર્યો ન હતો.

Devarsh