શું આમિર ખાન છે હિન્દી ફિલ્મો ફ્લોપ થવાનું કારણ ? કરણના સવાલ ઉપર કહ્યું.. ભારતના મોટાભાગના લોકો…

છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાંથી આવનારી મોટાભાગની ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. તો સામે સાઉથની ફિલ્મો સુપર હિટ જઈ રહી છે. આખા દેશમાં સાઉથ સિનેમાનો ડંકો વાગી રહ્યો છે અને સાઉથના કલાકારોનો પણ મોટો ચાહકવર્ગ બની ગયો છે, તો બીજી તરફ બોલીવુડની એક પછી એક ફ્લોપ ફિલ્મોના કારણે બોલીવુડના ખ્યાતનામ કલાકારો પણ ચાહકોના નજરમાંથી ઉતરતા જઈ રહ્યા છે, ત્યારે કોફી વિથ કરણમાં આમિર ખાને પણ આ વાતને લઈને જવાબ આપ્યો.

આમિર તેની “લાલ સિંહ ચઢ્ઢા” કો-સ્ટાર કરીના કપૂર સાથે ડિરેક્ટર કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવતા તેના વિવાદાસ્પદ અને પ્રખ્યાત શો “કોફી વિથ કરણ 7″માં દેખાયો હતો. કરણ જોહરે તેના શો કોફી વિથ કરણમાં સાઉથ અને હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર આમિર ખાન સાથે વાત કરી હતી. કરણ જોહરે આમિર ખાનને પૂછ્યું કે હિન્દી ફિલ્મો કેમ નથી ચાલી રહી? પરંતુ સાઉથની ‘RRR’, પુષ્પા અને અન્ય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે.

કરણ જોહરે આ શોમાં એવો પણ દાવો કર્યો હતો કે સાઉથની ફિલ્મોની સામે હિન્દી સિનેમાના આકર્ષણના પતન પાછળનું કારણ આમિર ખાન છે. પોતાની વાત પર ભાર મુકતા કરણે કહ્યું- વર્ષ 2001માં તમે બે ફિલ્મો દિલ ચાહતા હૈ અને લગાન લઈને આવ્યા હતા. બંને ફિલ્મોની પોતપોતાની સંવેદનશીલતા હતી. આ પછી વર્ષ 2006માં તમે રંગ દે બસંતી બનાવી. આ પછી તમે તારે જમીન પર લાવ્યા. આ ફિલ્મોના પ્રતિસાદ પછી, તમે કેટલાક નક્કી દર્શકો માટે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

આમિર ખાને કરણ જોહરની આ વાતને સાવ ખોટી ગણાવી છે. આમિરે કહ્યું- ના, તમે ખોટા છો. તે બધી હાર્ટલેન્ડ ફિલ્મો છે. એ ફિલ્મોમાં લાગણીઓ હોય છે. તેઓ સામાન્ય માણસ સુધી પહોંચે છે. તે એવી ફિલ્મો છે કે જેની સાથે તમે ભાવનાત્મક રીતે કનેક્ટ થઈ શકો છો. રંગ દે બસંતી ખૂબ જ ઈમોશનલ ફિલ્મ છે. તે લોકોને તેમના મૂળ સાથે જોડે છે.

સાઉથ સિનેમા વિશે વાત કરતાં આમિર ખાને આગળ કહ્યું- હું એમ નથી કહેતો કે એક્શન ફિલ્મો બનાવો. સારી સામગ્રી સાથે સારી ફિલ્મો બનાવો. મોટાભાગના લોકો સાથે જોડાઈ શકે તેવા વિષયો પસંદ કરો. દરેક ફિલ્મમેકરને તે જે ઈચ્છે તે બનાવવાની સ્વતંત્રતા છે. પરંતુ જો તમે એવી વસ્તુઓ પસંદ કરી રહ્યા છો, જેમાં ભારતના મોટાભાગના લોકોને રસ નથી, જેની સાથે મોટાભાગના લોકો સંબંધ બાંધી શકતા નથી. મને લાગે છે કે આ તફાવત છે.

આમિરની વાત કરીએ તો તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. હવે જોઈએ કે આમિરની ફિલ્મ રિલીઝ થયા પછી શું થાય છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર પણ છે. હાલમાં બંને કલાકારો ફિલ્મના પ્રમોશનમાં લાગ્યા છે અને આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે.

Niraj Patel