મોઢા પર પર ફાટ્યો મોબાઇલ ફોન : 8 વર્ષની બાળકીનું મોત, જાણો સમગ્ર વિગતે
Mobile Phone Blast: ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર મોબાઇલ ફોન બ્લાસ્ટની (Mobile Blast) ખબર સામે આવે છે, કેટલીકવાર તો આવા કિસ્સામાં લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. 8 વર્ષની એક બાળકીનું મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે બ્લાસ્ટ થતા મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના કેરળના (Kerala) ત્રિશૂર જિલ્લાના થિરુવિલ્વમાલાની છે. બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ અફસોસ કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે મોબાઈલ ફોનના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે. યુવતીનું નામ આદિત્યશ્રી હતું અને તે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. બાળક તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. રીપોર્ટ્સ અનુસાર, આ ઘટના સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે ઘરમાં માત્ર બાળકી અને તેના દાદી હતા. બાળકી મોબાઈલમાં ગેમ રમી રહી હતી અને દાદી બીજા રૂમમાં હતા.
દાદીમાએ જણાવ્યું કે તેમણે છોકરીના રૂમમાંથી ફટાકડા ફોડવા જેવો જોરદાર અવાજ સંભળ્યો અને પછી જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો આદિત્યશ્રીને લોહીથી લથપથ હાલતમાં પથારી પર પડેલી જોઈ. તેનો ચહેરો પણ ઘણો ક્ષત-વિક્ષત થઇ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનામાં મોબાઈલ ફોનના માત્ર ઉપરના ભાગના જ ટુકડા થયા છે. ત્રિસુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક નિષ્ણાતોના અવલોકનોએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટના કારણે તેના ચહેરા અને છાતી પર ઇજાઓને કારણે તેનું મોત થયું હતું. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, બાળકી રેડ મી નોટ 5 પ્રો મોબાઇલમાં ગેમ રમી રહી હતી અને આ મોબાઇલ તેના પિતાએ લગભગ ત્રણ વર્ષ પહેલાં સેકન્ડ હેન્ડ મોબાઇલ ડીલર પાસેથી ખરીદ્યો હતો. ગયા વર્ષે જ ફોનની બેટરી બદલવામાં આવી હતી. જો કે, એવું માનવામાં આવે છે કે મોબાઈલ ફોનમાં લોકલ બેટરી નાખવામાં આવી હતી, જેના કારણે વિસ્ફોટ થયો.