‘અલ્લા બચાવી લો’ પ્લેન ક્રેશ વખતે શું હતી યાત્રીઓની હાલત, વાયરલ થયો ક્રેશ સમયનો વિમાનની અંદરનો ડરામણો વીડિયો

બુધવારે કઝાકિસ્તાનમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના કેસ્પિયન સમુદ્રના પૂર્વ કિનારે સ્થિત અક્તાઉ શહેર નજીક બની હતી. અઝરબૈજાન એરલાઈન્સનું આ વિમાન બાકુથી રશિયા જઈ રહ્યું હતું. અઝરબૈજાન એરલાઈન્સે જણાવ્યું છે કે વિમાને અક્તાઉથી ત્રણ કિમી દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ દરમિયાન તેમાં આગ લાગી ગઈ હતી.

આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે. દુર્ઘટના સમયે પ્લેનની અંદરનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો વિમાનમાં સવાર એક મુસાફર દ્વારા બનવામાં આવ્યો હતો. વીડિયોમાં પ્લેનમાં હાજર મુસાફરોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્લેન ઝડપથી નીચે પડતું જોવા મળી રહ્યું છે.

ઓક્સિજન માસ્ક લટકેલા છે. કેટલાક મુસાફરો ચીસો પાડી રહ્યા છે અને રડી રહ્યા છે. દરમિયાન સીટ બેલ્ટની ચેતવણીની ઘંટડી પણ સંભળાય છે. વીડિયોમાં, એક મુસાફર અલ્લાહને દયા માટે પ્રાર્થના કરતો અને અલ્લાહુ અકબર (ભગવાન મહાન છે) કહેતો સાંભળવા મળે છે. ફ્લાઇટ રડાર પર પ્લેનનો માર્ગ દર્શાવે છે કે તે તેનો માર્ગ ભટકીને કેસ્પિયન સમુદ્રને પાર કરી રહ્યું છે. આ પછી વિમાન તે વિસ્તાર પર ફરી રહ્યું હતું અને પછી ક્રેશ થયું ગયુ.

પ્લેન અકસ્માતના આ વીડિયોમાં દૂરઘટના પછીનું દ્રશ્ય જોવા મળે છે. આમાં એરક્રાફ્ટની છતની પેનલ ઊંધી લટકી રહી છે. લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા છે. કેટલીક સીટોની આર્મરેસ્ટ પર લોહીના ડાઘા પણ દેખાય છે. આ વીડિયો અકસ્માત પછીનો છે. જે પ્લેન અકસ્માતનો ભોગ બન્યો હતો તે અઝરબૈજાન એરલાઈન્સનું એમ્બ્રેર 190 મોડલ હતું. તે નેરો બોડી પેસેન્જર એરક્રાફ્ટ છે.

કઝાકિસ્તાનના ઈમરજન્સી સિચ્યુએશન્સ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના ક્રૂએ પ્લેનમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.આ દુર્ઘટના બાદ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ તેમની રશિયાની મુલાકાત રદ કરી દીધી છે. અલીયેવ આ અકસ્માત બાદ ગુરુવારે રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. અઝરબૈજાનના સ્વાસ્થ્ય મંત્રાલયે ઘાયલોની સારવાર માટે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાથી વિશેષજ્ઞ ડૉક્ટરો સાથેનું એક વિશેષ વિમાન પણ કઝાકિસ્તાન મોકલ્યું છે. કઝાકિસ્તાને કહ્યું કે એક વિશેષ ટીમ અકસ્માતની તપાસ કરી રહી છે.

Devarsh