ગ્લેમરની દુનિયા છોડી સરપંચની ચૂંટણીમાં ઝંપલાવનાર મોડલ એશ્રા પટેલનો થયો અકસ્માત, જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર આવા અકસ્માતમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે, તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક અકસ્માતની ખબર સામે આવી છે, બોડેલીના સૂર્યા અને કુંડી ગામ વચ્ચે કાવીઠાની મોડેલ એશ્રા પટેલની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એશ્રા પટેલને ગંભીર ઇજા પહોંચી હતી જેને કારણે તેને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અકસ્માત દરમિયાન બે કારોને ભારે નુકશાન પણ થયુ છે અને અકસ્માતમાં 2ને ઇજા પહોંચી છે. અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર, કાવિઠાની મોડેલ એશ્રા પટેલની કારની ઇકો કાર સાથે ટક્કર થઇ હતી. જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. એશ્રાને શરીરના ભાગે અને મોઢા પર ઈજાઓ થતાં તેને બોડેલીની  ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, આ એ જ મોડેલ એશ્રા પટેલ છે જેણે ગ્લેમરની દુનિયાથી સરપંચની ચૂંટણીમાં જંપલાવ્યુ હતુ અને લોકોના દિલ જીત્યા હતા. તે સમયે તે ઘણી ચર્ચામાં રહી હતી.

તેણે માનવીય સેવા કાર્યો કરીને પણ પોતાનું અલગ સ્થાન પણ ઊભું કર્યું છે. એશ્રા પટેલની વાત કરીએ તો, છોટા ઉદેપુરમાં મુંબઈની મોડલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી અને આ સમયે તેણે ગુજરાતની જનતાનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. મોડલિંગની ગ્લેમર ભરેલી દુનિયાને અલવિદા કહી ગ્રામસેવાના આશયે ચૂંટણીમાં ઝંપલાવનાર એશ્રા પટેલે સંખેડાનાં કાવિઠામાં મતદાન પણ કર્યું હતું.

મુંબઈમાં મૉડેલિંગ કરતી એશ્રા પટેલે ચૂંટણી દરમિયાન એવો વાયદો કર્યો હતો કે જો તે સરપંચ બની જશે તો ગામને મોડલ ગામ તરીકે વિકસાવી દેશે.ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ રાજ્યમાં 3 અકસ્માતની ઘટના બની હતી અને આમાં 5ના મોત પણ થયા હતા. સાબરકાંઠાના ઇડરના સુદ્વારાસણા નજીક 2 બાઈક વચ્ચે ખતરનાક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.

જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજા અકસ્માતની વાત કરીએ તો, બોડેલીના સૂર્યા ઘોડા ગામ નજીક એશ્રા પટેલનો અકસ્માત થયો હતો. આ ઉપરાંત જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત પણ નિપજ્યાં હતા.

Shah Jina