ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં યુવતિને મુસ્લિમ યુવકો દ્વારા નામ બદલી પ્રેમજાળમાં ફસાવવામાં આવતા હોય છે. હિંદુ યુવતિ સાથે લગ્ન બાદ તેમને જબરદસ્તી ધર્મ બદલાવવામાં આવતો હોય છે અને તેમને ટોર્ચર પણ કરવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લવ જેહાદને લઇને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા કાયદો પણ બનાવવામાં આવ્યો હતો અને આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરવામાં આવી હતી કે માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

કોઇ કપટ, જબરદસ્તી અથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરી શકશે નહિ. આ ગુનામાં જે મદદ કરનાર હશે અને સલાહ આપનાર પણ હશે તેને પણ દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને 4થી7 વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીનો દંડ થશે. ત્યારે હવે લવ જેહાદના વધતા મામલા વચ્ચે પાટીદાર સમાજનું (Patidar) કડક વલણ સામે આવ્યું છે.

84 કડવા પાટીદાર સમાજે દીકરીઓની લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજીયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.જો કોઇ દીકરી ભાગીને લગ્ન કરે છે તો લગ્નની નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા સરકારને રજૂઆત કરવામાં આવશે. આ નિર્ણય મહેસાણામાં 84 પાટીદાર સમાજ દ્વારા લેવામાં આવ્યો છે. આ માટે ચોરાસી કડવા પાટીદારો કાયદો બનાવવા માટે લડત પણ ચલાવશે.
રવિવારના રોજ 84 કડવા પાટીદાર સંકુલ ખાતે સમાજના પ્રમુખ જશુભાઇના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી અને આ દરમિયાન સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન એવી ચર્ચા થઇ હતી કે, માતા પિતાની સંમતિ વિના લગ્ન કરીને ભાગી જતી દિકરીઓ માટે કાયદો બનાવવો. જો માતા પિતા સહીની સંમતિ ન આપે તો મિલકતમાંથી નામ નીકળી જાય તેવો કાયદો બનાવવા અંગે સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કોઇ દીકરી માતા-પિતાની સહીને નકારે તો તેનો હિસ્સો મિલકતમાંથી આપોઆપ નીકળી જાય તેનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે આ પ્રકારની માગ અગાઉ SPG દ્વારા પણ કરવામાં આવી હતી. તેઓએ પણ લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી હતી.