જ્યોતિરાદિત્ય સિંધિયાની રોમાનિયાના મેયર સાથે થઇ તું તું મેં મેં, મેયરે કહ્યું, “બાળકોને ખાવાનું અમે આપ્યું છે તમે નહિ !” વીડિયો થયો વાયરલ

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા રોમાનિયા પહોંચેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રોમાનિયાના મેયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંધિયા અને રોમાનિયાના મેયર વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને લઈને કેટલીક વાતચીત જોવા મળી રહી છે.

વાતચીત દરમિયાન રોમાનિયાના મેયર અને સિંધિયા વચ્ચે થોડી ગરમાગરમી જોવા મળી હતી. જો કે, વાતચીત દરમિયાન, સિંધિયા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી મદદ માટે રોમાનિયન પ્રશાસનનો આભાર માનતા જોવા મળે છે.કહેવામાં આવી રહ્યું છે કે સિંધિયા રોમાનિયાના એક શહેરમાં રહેતા ભારતીય બાળકોને મળવા આવ્યા હતા. જ્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે સરકારના પ્રયાસો વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે શહેરના મેયરે તેમને કડક સ્વરમાં અટકાવ્યા, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રોમાનિયાના મેયર કહે છે કે તમે ફક્ત તમારા વિશે વાત કરો. વીડિયોમાં જોવા મળે છે કે સિંધિયા આના પર થોડા અસ્વસ્થ છે અને એક રીતે નારાજ થઈને કહે છે કે હું નક્કી કરીશ કે હું શું કહીશ? મેયરે ફરીથી તેમને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે તમે તમારું કામ કરો, અમે આ બાળકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ, તમે નહીં. જ્યારે તમે તેમને ઘરે લઈ જશો ત્યારે તમે તેમને કહો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ તાળીઓ પાડીને મેયરનું સમર્થન કરે છે. આ વીડિયોને લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. જોકે, ગુજ્જુરોક્સ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. રોમાનિયાના મેયર અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે તુ તુ-મૈં મૈંના આ વીડિયોને લઈને કોંગ્રેસના ઘણા નેતાઓએ ટ્વિટ કરીને મોદી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.

કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે ‘જુમલા ભારતમાં કામ કરે છે પરંતુ વિદેશની ધરતી પર નહીં. જુઓ કેવી રીતે રોમાનિયાના મેયરે રાહત શિબિરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પાઠ ભણાવ્યો, કહ્યું તમે અહીંથી ક્યારે નીકળશો. અમે રાહત શિબિરમાં જગ્યા અને ખોરાક આપી રહ્યા છીએ, તમે નહીં. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે આ દરમિયાન વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી.

તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. મોદી સરકારના 4 મંત્રીઓને યુક્રેનની આસપાસ સ્થિત દેશોમાં મોકલવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ ભારતીયોને સુરક્ષિત ઘરે મોકલી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકારે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રોમાનિયા અને મોલ્ડોવા, કિરેન રિજિજુ સ્લોવાકિયા, હરદીપ સિંહ પુરીને હંગેરી અને વીકે સિંહને પોલેન્ડ મોકલ્યા છે.

Niraj Patel