ગુજરાતમાં ફરી એક બ્રિજ દુર્ઘટના : જૂનાગઢમાં પુલનો સ્લેબ પડતાં હીટાચી મશીન સહિત લોકો નદીમાં ખાબક્યાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
9 જુલાઈએ વડોદરા-આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજ તૂટી પડતાં 21 લોકોના મોત થયાની ઘટના હજુ તાજી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે પુલનો સ્લેબ તૂટી પડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.આજ સવારે કેશોદ-આત્રોલી માર્ગ પર આવેલ પુલના સમારકામ દરમિયાન તેનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો.
બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાના કારણે હીટાચી મશીન અને સાથે કામ કરતા 8 થી વધુ લોકો અંદાજે 15 ફૂટ ઊંડા પાણીમાં પડી ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી અને તમામનો ચમત્કારિક બચાવ થયો છે. પુલ તૂટી પડતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, કામ દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હતી નહીં, અને જાહેર માર્ગ પર કામ કરતી વખતે સુરક્ષાને લાવજવી લેવામાં આવી હતી, જેના કારણે આવો અકસ્માત સર્જાયો. જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલના જણાવ્યા મુજબ, આ પુલ જર્જરિત સ્થિતિમાં હોવાને કારણે તેનું નિયંત્રિત વિસ્ફોટથી તોડવાનું કામ ચાલી રહ્યું હતું.
બ્રેકર મશીન દ્વારા પુલનો સ્લેબ ઉતારતી વખતે આ ભાગ પડી ગયો હતો.જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ સ્પષ્ટતા કરી છે કે, આ પુલ તૂટી પડ્યો નથી, પરંતુ સંભાળીને તોડવામાં આવી રહ્યો હતો. જણાવી દઇએ કે, 9 જુલાઈએ મુજપુર અને આંકલાવને જોડતો 1986માં બનેલો ગંભીરા પુલ અચાનક તૂટી પડતાં 21 લોકોના મોત થયાં હતાં. આ પુલ અંગે સ્થાનિક લોકોએ અનેક વખત પુનઃનિર્માણની માંગ કરી હતી, પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવતા દુર્ઘટના સર્જાઈ હતી.