IIFA એવોર્ડ સાથે વતન અમદાવાદ પરત ફરી ગુજ્જુ એક્ટ્રેસ જાનકી બોડીવાલા, પરિવાર અને ફેન્સે કર્યુ ગુજરાતી ઢબે બેન્ડ બાજાથી સ્વાગત- જુઓ વીડિયો

હાલમાં જ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે IIFAની 25મી એવોર્ડ સેરેમનીનું જયપુરમાં 8 અને 9 માર્ચે આયોજન કરવામાં આવ્યું, જેમાં શનિવારે IIFA ડિજિટલ એવોર્ડ અને રવિવારે આઈફા મેન એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. આ વખતનો IIFA એવોર્ડ ગુજરાતીઓ માટે ખાસ બની ગયો. આપણી ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા આઈફા એવોર્ડ્સમાં છવાઈ ગઈ.

જાનકી બોડીવાલાને ફિલ્મ ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે અને એ પણ કિંગ શાહરૂખ ખાનના હસ્તે. જાનકી સાથે IIFAમાં ગુજ્જુ અભિનેતા યશ સોની પણ જોવા મળ્યો હતો. તે તેની બેસ્ટફ્રેન્ડને સપોર્ટ કરવા જયપુર પહોંચ્યો હતો. જાનકીને એવોર્ડ મળ્યા બાદ યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી લખ્યું, જાનકી બોડીવાલાને IIFA એવોર્ડમાં જીત બદલ અભિનંદન અને એ પણ કિંગ ખાન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. તું તેને લાયક છે ગર્લ. ગો બિગ ! આ ખરેખર પ્રેરણાદાયક છે !

IIFA એવોર્ડ જીત્યા પછી અમદાવાદ પરત ફરેલી જાનકીનું પરિવાર અને ફેન્સ દ્વારા ગુજરાતી ઢબે ફૂલો અને ઢોલથી સ્વાગત કરવામાં આવ્યુ. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી સિનેમાની ફેવરેટ જોડી યશ અને જાનકી સાથે સ્પોટ થયા હતા, બંનેને એકસાથે કારમાં પરત ફરતા સ્પોટ કરવામાં આવ્યા હતા.

જણાવી દઇએ કે, અમદાવાદમાં જન્મેલી જાનકીને અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ માટે પરફોર્મંસ ઈન લીડિંગ સપોર્ટિંગ રોલ (ફિમેલ) નો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે, જેમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર અને જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં હતા. શૈતાન અને વશમાં જાનકીએ દમદાર અભિનય કર્યો હતો. બેચલર ઓફ ડેંટલમાં સર્જરીમાં ગ્રેજ્યુએટ થયેલી જાનકીએ કરિયરની શરૂઆત ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરી હતી.

આ પછી જાનકીએ ‘ઓ તારી’ ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘છુટ્ટી જાયે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બાઉ ના વિચાર’, ‘નાડી દોષ’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધામાં ટોપ-3માં પહોંચી હતી.જાનકીના પરિવારની વાત કરીએ તો, તેના પિતા ભરત બોડીવાલા વકીલ છે જ્યારે માતા કાશ્મીરા બોડીવાલા હાઉસવાઇફ છે. તેનો નાનો ભાઈ ધ્રુપદ કેનેડામાં અભ્યાસ કરે છે.

Shah Jina