સુરતના જાણીતા ઉદ્યોગપતિ રાજસ્થાનમાં લૂંટાયા, મોડી રાત્રે હાઇવે પર કારમાંથી નીચે ઉતરતા જ લૂંટારા ત્રાટક્યા, 3 લાખની મતાની લૂંટ
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી સાથે ઉદયપુર હાઇવે પર લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. દિવાળીની રજાઓ મનાવવા માટે તેઓ પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ લૂંટારુઓએ જીવલેણ હુમલો કરી 3 લાખથી વધુની રોકડ અને જ્વેલરી લૂંટી લીધી હતી. આ ઘટનાએ સુરતના ઉદ્યોગ જગતમાં હલચલ મચાવી દીધી છે.પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના 26 ઓક્ટોબર, 2025ની મોડી રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી.

આશિષ ગુજરાતી પોતાની ટોયોટા હાઇરાઇડર કારમાં પરિવાર અને મિત્રો સાથે સુરતથી ઉદયપુર તરફ જઈ રહ્યા હતા. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રિષભદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળી ગામ નજીક આવેલા રામદેવ મંદિર પાસે તેઓ લઘુશંકા માટે કારમાંથી ઉતર્યા હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો બાઇક પર આવી પહોંચ્યા હતા.લૂંટારુઓએ હાથમાં લાકડી લઈને આશિષ ગુજરાતીને ધમકાવીને પૈસા અને દાગીના સોંપવાની માંગ કરી.

જ્યારે આશિષ ગુજરાતીએ વિરોધ કર્યો, ત્યારે લૂંટારુઓએ તેમની પત્ની અને કારમાં બેઠેલા અન્ય સભ્યોને પણ ધમકાવ્યા અને કહ્યું કે “પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશું.” બાદમાં એક લૂંટારુએ લાકડી વડે તેમના માથા પર હુમલો કર્યો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું.હુમલા બાદ લૂંટારુઓએ આશિષ ગુજરાતીના ખિસ્સામાંથી 15,000 રૂપિયા રોકડા, પર્સ, ડેબિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય દસ્તાવેજો છીનવી લીધા. સાથે જ તેમના હાથમાં પહેરેલી આશરે 3 લાખની કિંમતની હીરાની વીંટી પણ લૂંટી લીધી. જતા પહેલા લૂંટારુઓએ ચેતવણી આપી કે જો પોલીસ પાસે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવામાં આવશે.

ભયભીત હાલતમાં આશિષ ગુજરાતી અને તેમના સાથીઓ તરત જ ઉદયપુરના સૂરજપોળ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી તેમને મહારાણા ભૂપાલ ચિકિત્સાલયમાં સારવાર માટે મોકલવામાં આવ્યા. બાદમાં, 28 ઓક્ટોબર, 2025ના રોજ તેમણે ઇમેઇલ દ્વારા રિષભદેવ પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે લૂંટાયેલી રોકડ, જ્વેલરી અને દસ્તાવેજો પાછા મેળવવા તથા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.