અમેરિકામાં કરોડોની હવેલીમાં મળી ભારતીય અમીર કપલ અને દીકરીની લાશ, જાણો શું હતુ કારણ

અમેરિકામાં ભારતીય મૂળના પરિવારનું મોત : 41 કરોડના બંગલામાં મળી 3 લાશ, અમેરિકામાં 11 બેડરૂમ અને 40 કરોડથી પણ વધુની હવેલીમાં દીકરી સાથે મળી દંપતીની લાશ, જાણો સમગ્ર મામલો

અમેરિકાના મેસાચુસેટ્સમાં રહેતા ભારતીય મૂળના દંપતી રાકેશ અને ટીના કમલ તેમજ તેમની 18 વર્ષની પુત્રી એરિયાનાનું અવસાન થયું છે. ત્રણેયના મૃતદેહ તેમના 40 કરોડથી પણ વધુના બંગલામાંથી મળી આવ્યા છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ આ પરસ્પર મતભેદો અને હિંસાનો મામલો છે. રાકેશ અને ટીનાએ હાલમાં જ નાદાર જાહેર કરવા અરજી કરી હતી.

તેમના પર લગભગ 80 થી 83 કરોડ રૂપિયાનું દેવું હતું. કરોડોની કિંમતના બંગલાની પણ હરાજી થવાની હતી. રિપોર્ટ અનુસાર રાકેશ મેસાચુસેટ્સના સૌથી પોશ વિસ્તારમાં રહેતો હતો. પોલીસને રાકેશના મૃતદેહ પાસે એક બંદૂક પણ મળી આવી હતી. પોલીસે કહ્યું કે આ પરસ્પર હિંસાનો મામલો છે. જો કે ઘરમાં તોડફોડના કોઈ ચિહ્નો મળ્યા ન હતા.

ત્રણેય લોકોના મોત ક્યારે અને કયા કારણોસર થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારે સાંજે લગભગ 7:30 વાગ્યે (યુએસ સમય) કમલ પરિવારના એક સંબંધી તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન તેણે એક મૃતદેહ જોયો અને પછી પોલીસને જાણ કરી, જે બાદ તેમને ઘરમાં બાકીના બે મૃતદેહ મળ્યા.

કમલ પરિવાર 2022થી આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. પરિવારે સપ્ટેમ્બર 2022માં નાદાર જાહેર કરવા માટે અરજી કરી હતી. જો કે, આ વર્ષે ઓક્ટોબરમાં સાચા ફોર્મ અને દસ્તાવેજોના અભાવને કારણે તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી. કમલ પરિવારના ઘરમાં લગભગ 27 રૂમ છે, અને તે ડોવર શહેરના એક પ્રાઇવેટ રોડ પર બનેલું છે.

ટીનાએ 2016માં પોતાની કંપની ખોલી, જે 2021માં બંધ થઈ ગઈ. આ કંપની વિદ્યાર્થીઓને તેમના ગ્રેડ સુધારવામાં મદદ કરતી હતી. ટીનાના પતિ રાકેશ આ કંપનીના સીઓઓ હતા. પુત્રી એરિયાનાએ પણ મિલ્ટન એકેડમીમાં અભ્યાસ કર્યો, જે મેસાચુસેટ્સની સૌથી મોંઘી શાળાઓમાંની એક છે. તેણે વરમોન્ટની મિડિલબરી કોલેજમાં ન્યુરોસાયન્સનો અભ્યાસ કરવા માટે એડમિશન લીધું હતું.

Shah Jina