બોલિવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. મુંબઈ પોલીસે અભિનેતાને નોટિસ પાઠવીને આગામી 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મુંબઈમાં આયોજિત રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ પોલીસ દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?
અહેવાલો મુજબ, ગત 10 ઓક્ટોબરે મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને SIRના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું. ઇમરાન ખાન તેમની પાર્ટનર અને અભિનેત્રી લેખા વોશિંગ્ટન તથા તેમની કઝિન જૈન મેરી ખાન સાથે આ આંદોલનમાં જોડાવા પહોંચ્યા હતા. તે સમયે મુંબઈ પોલીસે તેમની સ્થળ પરથી જ અટકાયત કરી હતી.
પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે, “હું કોઈ માંગ સાથે નથી આવ્યો, પરંતુ આ શહેરના એક નાગરિક તરીકે લોકોનો અવાજ કેમ દબાવવામાં આવી રહ્યો છે તે જોવા આવ્યો છું.”

ઇમિગ્રેશન એક્ટના ભંગનો આરોપ
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ઇમરાન ખાન પાસે અમેરિકાની નાગરિકતા (US Citizenship) છે. ભારત દેશના ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટના નિયમો મુજબ, કોઈપણ વિદેશી નાગરિક ભારતમાં કોઈ પણ પ્રકારના રાજકીય પ્રદર્શન, આંદોલન કે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતો નથી. વિદેશી નાગરિક હોવા છતાં આ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવું એ કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવે છે, જેના કારણે મુંબઈ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરીને તેમને દેશ છોડવા આદેશ કર્યો છે.
ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કરી હતી માંગ
આ ઘટના બાદ ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર મનોજ કુમાર શર્માને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઇમરાન ખાન વિદેશી નાગરિક હોવાથી ભારતના રાજકીય પ્રદર્શનોમાં ભાગ લઈ શકે નહીં, તેથી તેમને તાત્કાલિક દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવે.”
હવે મુંબઈ પોલીસ અને સંબંધિત તંત્રે નોટિસ જાહેર કરીને ઇમરાન ખાનને ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો સ્પષ્ટ આદેશ આપી દીધો છે.