ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, ઘરકંકાસ સહિત અનેક કારણો હોય છે, ત્યારે હાલમાં આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી. ત્રણેક દિવસ પહેલા એટલે કે 23 ડિસેમ્બરે પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો અંતિમ પગલા સુધી પહોંચ્યો. પતિએ આત્મહત્યા કરી લીધી અને 48 કલાકમાં 25 ડિસેમ્બરે પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી.
પતિના વિરહમાં ગીતાબેન પરમારે પતિની ઉત્તરક્રિયાના અને એંગેજમેન્ટ એનિવર્સરીના દિવસે જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ. પતિ-પત્નીના અંતિમ પગલાંથી બે બાળકો નોંધારા થયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, જૂનાગઢના શીતલ નગરમાં રહેતા અને પ્રાઇવેટ જોબ કરતા 39 વર્ષીય સતીષ પરમારના લગ્ન 18 વર્ષ પહેલાં ગીતાબેન સાથે થયા હતા. બંને 11 વર્ષના દીકરા અને 16 વર્ષની દીકરીના માતા-પિતા હતા.
કેટલીક વાર દાંપત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા. ત્યારે આને લઇ 23 ડિસેમ્બરે સતીષે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી અને બે દિવસ બાદ સતીષ પરમારની ઉત્તરક્રિયા રાખવામાં આવી હતી. જો કે આ દિવસે સવારમાં પતિના વિરહમાં પત્નીએ પણ એટલે કે ગીતાબેન પરમારે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર