સુરેન્દ્રનગરમાં એક અકસ્માતે પરિવારનો માળો વીંખી નાખ્યો, પતિના નિધનના 4 દિવસ બાદ જ પત્નીનું પણ થયું મોત, બાળકો બન્યા અનાથ

સુરેન્દ્રનગરના યુવકનું અકસ્માતમાં થયું મોત તો સહન ના કરી શકી પત્ની, બે દિવસ બાદ આઘાતમાં પત્નીનો પણ ચાલ્યો ગયો જીવ, બે બાળકોએ ગુમાવી માતા પિતાની છત્રછાયા

દેશભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં એક એવો જ અકસ્માત આખા પરિવારને વેર વિખેર કરીને ગયો અને બે બાળકોના માથેથી માતા પિતાની છત્રછાયા પણ છીનવી ગયો. જેમાં થોડા દિવસ પહેલા જ અકસ્માતમાં મોતને ભેટેલા પતિના નિધનના ચાર દિવસ બાદ જ પત્ની પણ મોતને ભેટતા બંને બાળકો અનાથ બન્યા છે.

(અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવક)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના પાટડી પુરવઠા વિભાગના કર્મચારીની કારને પાંચ દિવસ અગાઉ ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ જયારે બે દિવસ બાદ પાટડી પુરવઠા વિભાગના કમ્યુટર ઓપરેટરનું પણ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જેમાં કમ્પ્યુટર ઓપરેટરની પત્ની પતિના મોતનો આઘાત સહન ના કરી શકી અને આઘાતમાં પત્નીનું પણ મોત થયું હતું.

(મૃતકની જે કારને અકસ્માત થયો તે કાર)

આ બાબતે મળી રહેલી વધુ  માહિતી અનુસાર પાટડી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પાટડી તાલુકાના જૈનાબાદના વતની લતીફભાઇ કાદરભાઇ કુરેશી તથા પાટડી તાલુકાના ખેરવા ગામે સસ્તા અનાજના દુકાનદાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કર કાર લઇને વિરમગામથી પુરઝડપે માલવણ તરફ આવી રહ્યાં હતા. ત્યારે માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દઇ ડીવાઇડર કુદાવી સામેથી આવતી કાર સાથે જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી.

(મૃતકની કાર જે કાર સાથે અથડાઈ તે કાર)

કારમાં સવાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કરને પણ માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જયારે  કારચાલક જૈનાબાદના લતીફભાઇ કાદરભાઇ કુરેશીને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહીલુહાણ અને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ ઘટનાના બે દિવસ બાદ લતીફભાઇ કુરેશીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

(મૃતક તેની પત્ની અને બાળકો સાથે નવી કાર ખરીદતા સમયે)

આ ઘટનાથી આઘાતમાં આવી ગયેલી લતીફભાઈની પત્નીએ ખાવાનું પણ મૂકી દીધું હતું, જેના બાદ તેમની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. માત્ર 3 દિવસના ટૂંકા સમયમાં પતિ અને પત્નીના મોતથી આખા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. તેમના બે બાળકો પણ માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતા દુઃખનો માહોલ ફરીવળ્યો હતો.

Niraj Patel