ચોમાસામાં રસ્તા ઉપર પડી ગયેલા ખાડાઓને ભરવા માટે આનંદ મહિન્દ્રાએ બતાવ્યો ગજબનો જુગાડ, 60 સેકેંડમાં જ કામ તમામ, જુઓ વીડિયો

ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને વરસાદના કારણે ઘણા રોડ અને રસ્તાઓ પણ ખરાબ થઇ જતા હોય છે. આવા ખરાબ રસ્તાઓના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. ઘણીવાર રસ્તા ઉપર પડેલા ખાડામાં ભરાયેલા પાણીના કારણે ખાડો દેખાતો નથી અને અકસ્માત સર્જાય છે. આવા અકસ્માતમાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે, ત્યારે હાલ દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રસ્તા ઉપર પડેલા ખાડાનું નિરાકરણ જોઈ શકાય છે.

આનંદ મહિન્દ્રા અવાર નવાર આવા વીડિયો શેર કરે છે જે લોકો માટે પ્રેરણાદાયી હોય છે. તે તેમના ફોલોઅર્સને નવા અપડેટ્સ આપવામાં એકદમ નિપુણ છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક વીડિયો દ્વારા એક એવી ટેકનિક તરફ ધ્યાન દોર્યું છે જે ખાડાઓ ભરવા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. તેમણે તેને પોતાના દેશ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું. આ પોસ્ટ દ્વારા તેમણે ખાડા ભરવાની આ ટેકનિક વિશે ગંભીરતાથી વાત કરી છે.

વાયરલ થઈ રહેલો વીડિયો વાસ્તવમાં અમેરિકા સ્થિત કંપની અમેરિકન રોડ પેચ દ્વારા બનાવેલી પ્રોડક્ટની જાહેરાત છે. જેમાં નાના-મોટા ખાડાઓ પુરીને રસ્તાના ઘસારાને લુબ્રિકેટ કરવા માટે પેચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એક એવો રોડ રિપેર વિકલ્પ છે, જે પ્રક્રિયાને સરળ કરે છે અને ઓછો સમય લે છે. ક્લિપ શેર કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું- “હું કહીશ કે આ એક નવી ટેક્નોલોજી છે, જે ભારત માટે જરૂરી છે. કેટલીક બાંધકામ કંપનીઓએ કાં તો કંઈક સમાન બનાવવાની અથવા આ પેઢી સાથે સહયોગ કરવાની જરૂર છે.”

આ પહેલીવાર નથી જ્યારે આનંદ મહિન્દ્રાએ લોકોના ફાયદા માટે આવા વીડિયો શેર કર્યા હોય, આ પહેલા પણ તે અવનવા વીડિયો શેર કરતા રહે છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સે પણ પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ કહ્યું કે અહીંના રસ્તા આના કરતા પણ ખરાબ છે. કેટલાક લોકોએ વીડિયો પોસ્ટ કરીને ઉદાહરણ પણ આપ્યું હતું.

Niraj Patel