અનેક ગુજરાતી ફિલ્મના સફળ સંગીતકારની અણધારી વિદાય, સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી, પરિવાર શોકમાં ગરકાવ
સંગીતની સફરમાં સુપરહિટ ગીતો આપનાર ગુજરાતી ગીતોના મ્યૂઝિક કમ્પોઝર મયુર નાડીયાએ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, ડોક્ટરે તેમના નિધનનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું છે. જુવાનજોધ દીકરો ગુમાવતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મયૂરનાડીયાની અણધારી વિદાયથી પરિવાર સહિત ગુજરાતી સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી

દિવંગત મયૂર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહેતાં હતા. ઈન્સ્ટાગ્રામ પર નજર નાખતાં ગીતા રબારી, કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાથે તેમની તસવીરો જોવા મળી રહી છે. લોકગાયિકા ગીતા રબારીએ મયુર નાડીયાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, અનેક ગુજરાતી ફિલ્મ ના સફળ સંગીતકાર એવા ભાઇ મયુર નાડીયા નું ભર યુવાનીમાં દુઃખદ અવસાન થયું છે, ઈશ્ર્વર તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તેવી કરબધ્ધ પ્રાર્થના..ઓમ શાંતિ

મયૂર નાડીયાના લખેલા ઘણા ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી જેમાં હાથમાં છે વ્હિસ્કી, માં મારી આબરૂ નો સવાલ ,ચાર ચાર બંગડી, રોણા શેરમાં, મા તારા આશીર્વાદ, એવા અઢળક ગીતોના મ્યુઝિક ડિરેક્ટર હતા.મયુર નાડીયાએ અનેક ગુજરાતી ગીતોને સંગીત આપ્યું. તેમનું સંગીત હંમેશા તમામના દિલમાં ગુંજતું રહેશે.