વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીનું મોત, ટેસ્લા કાર ચલાવી રહેલા ગુજરાતના પટેલને નડ્યો અકસ્માત- મળ્યુ દર્દનાક મોત

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતી કે ભારતીયોના અકસ્માતે મોત કે રહસ્યમયી મોતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં એક અકસ્માતની ઘટના બની, જેમાં ટેસ્લા કાર ચલાવી રહેલા ગુજરાતી યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું. સોમવારે સાંજે આ અકસ્માત થયો હતો.

મૃતકની ઓળખ કમલેશ પટેલ તરીકે થઇ છે, અને તેમની ઉંમર 46 વર્ષ હોવાનું તેમજ ફ્રેમોન્ટના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. કમલેશ પટેલ જે કાર ચલાવી રહ્યા હતા તે એક અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ક્રેશ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવાયું છે કે કારચલાકે કદાચ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેને કારણે આ અકસ્માત થયો હતો.

સાંજે પોણા છ વાગ્યે થયેલા આ અકસ્માતમાં અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ઘૂસી ગયેલી કાર પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. જો કે અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઇ હતી, આ પછી અપાર્ટમેન્ટમાં રહેતા લોકોને તાત્કાલિક બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ફર્સ્ટ ફ્લોર પર જે મકાનમાં કમલેશ પટેલની કાર પહોંચી હતી તે ખાલી પડ્યો હતો, જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી

પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં કમલેશ પટેલનું હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મોત થયું હતું. જો કે, આ અકસ્માતને જોનાર એક મહિલાને ટાંકીને રીપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે ટેસ્લા કાર ખૂબ જ હાઈ સ્પીડ પર દોડી રહી હતી. લગભગ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી કાર સાથે તે પોતે પણ અથડાતા રહી ગઈ હતી.

Shah Jina