ખબર

હવે સ્કૂલોમાં થશે ગુજરાતી ભાષા ફરજિયાત, સરકાર બનાવશે કાયદો- ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ગુજરાતી…

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ…ગુજરાતની શાળાઓમાં હવે ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવાશે અને જે નહિ ભણાવે તેના પર દંડ ફટકારવામાં આવશે. ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી કરાવાશે. 23 ફેબ્રુઆરી એટલે કે આજે વિધાનસભાનું સત્ર શરૂ થશે અને આમાં સરકાર વિવિધ બિલો રજૂ કરશે. જેમાં 27 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે અને 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદનાની ભાષા છે અને સમન્વયની ભાષા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતીનો પાયો વિદ્યાર્થીઓનો મજબૂત બને એ માટેના શિક્ષણ વિભાગ પ્રયાસો કરી રહ્યું છે અને જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરવામાં આવશે.’ શિક્ષણમંત્રીએ ફરજિયાત ગુજરાતી શિક્ષણ મુદ્દે જણાવ્યું કે,’રાજ્યની દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે અને જે શાળામાં ભણાવવામાં નથી આવતો તેની સામે કાર્યવાહી થશે’

જણાવી દઇએ કે, હવેથી ધોરણ 1થી 8માં હવેથી ગુજરાતી ભાષા ફરજિયાત બનાવવા માટેનું બિલ લાવવામાં આવશે. આ માટે 7 માર્ચે 2 બેઠક અને સવારે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો યોજાશે. શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો પણ તેમ છત્તાં કેટલીક એવી સ્કૂલો છે જે ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે હવે કાર્યવાહી સુધીનો દોર ચલાવવાની સરકારે તૈયારી બતાવી છે.

હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યુ હતુ કે જે શાળાઓ ગુજરાતી નથી ભણાવતી તેમની સામે શું પગલા લેવામાં આવશે, તો આ મામલે સરકારી વકીલે કહ્યુ હતુ કે, ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરાશે. જણાવી દઇએ કે, અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે.