ગુજરાત સરકારનું વર્ષ 2027નું સરકારી રજાઓનું કેલેન્ડર જાહેર: કર્મચારીઓ અને બેંકો માટે રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત સરકારના સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 માટે રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર વર્ષ દરમિયાન કુલ 18 મુખ્ય જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે, જ્યારે કર્મચારીઓ માટે 42 મરજિયાત (વૈકલ્પિક) રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે, જેમાંથી નિયમ મુજબ વધુમાં વધુ બે રજાઓનો લાભ મેળવી શકાશે. આ ઉપરાંત બેંક કર્મચારીઓ માટે પણ નાણાકીય સેવાઓને ધ્યાનમાં રાખીને અલગથી રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2027ના સમગ્ર રજા ગણિત અનુસાર 365 દિવસમાંથી કર્મચારીઓને કુલ 94 દિવસ રજાઓ મળશે અને 271 દિવસ કામકાજના રહેશે.

વર્ષ 2027ની મુખ્ય જાહેર રજાઓ
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ (બેસતું વર્ષ) સહિત કુલ 18 મુખ્ય તહેવારોનો જાહેર રજા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

કર્મચારીઓ માટે મરજિયાત (વૈકલ્પિક) રજાઓની જોગવાઈ
જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓ પોતાની આસ્થા અને સુવિધા મુજબ તહેવારો ઉજવી શકે તે માટે 42 મરજિયાત રજાઓની યાદી પણ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ જેવા વિવિધ ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રસંગોનો સમાવેશ થાય છે. સરકારી નિયમો અનુસાર કર્મચારીઓ આમાંથી ગમે તે બે મરજિયાત રજાઓ ભોગવી શકશે.

જાહેર રજાઓ અને વારનો સમન્વય તથા મુસ્લિમ તહેવારો
નિયમ અનુસાર જો કોઈ જાહેર રજા બીજા કે ચોથા શનિવારે અથવા રવિવારે આવતી હોય, તો તેના બદલામાં અન્ય કોઈ કામકાજના દિવસે અલગથી રજા આપવામાં આવશે નહીં. આ કેલેન્ડરમાં દર્શાવવામાં આવેલા મુસ્લિમ ધર્મના તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. આ જાહેરનામું ગુજરાત સરકાર હસ્તકની તમામ સરકારી કચેરીઓ માટે તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યું છે.

શનિ-રવિવારે આવતા તહેવારોની વિગત
વર્ષ 2027ના કેલેન્ડરની એક નોંધપાત્ર બાબત એ છે કે કુલ 9 જેટલા મહત્વના તહેવારો સાપ્તાહિક રજાના દિવસે જ આવે છે. જેમાંથી 6 તહેવારો રવિવારે અને 3 તહેવારો બીજા અથવા ચોથા શનિવારે આવે છે. આ તહેવારો પહેલેથી જ નિયમિત રજાના દિવસે આવતા હોવાથી કર્મચારીઓને તેના બદલામાં કોઈ વધારાની અલગ રજા મળશે નહીં.

વર્ષ 2027માં રજાઓનું સરકારી ગણિત
સરકારી કર્મચારીઓ માટે વર્ષ 2027 રજાઓની દ્રષ્ટિએ ખૂબ રાહતભર્યું રહેશે. સમગ્ર વર્ષના રજાઓના ગણિત પર નજર કરીએ તો, વર્ષના 365 દિવસમાંથી 52 રવિવારની નિયમિત રજાઓ, 24 બીજા તથા ચોથા શનિવારની રજાઓ અને શનિ-રવિ સિવાયના દિવસોમાં આવતી 18 જાહેર રજાઓ મળીને કુલ 94 દિવસ રજાઓ રહેશે, જ્યારે બાકીના 271 દિવસ સરકારી કામકાજના રહેશે.

Previous Article

તાજમહાલની નગરીમાં ગુંજ્યા વૈદિક મંત્રો: ઇટાલિયન યુગલ મેટીઓ અને કેટરીનાએ હિંદુ રીતિ-રિવાજથી લીધા સાત ફેરા

Next Article

બટેશ્વર મેળામાં 'બાદલ' અને 'ચેતક' નો ધમાકો: BMW કરતાં પણ મોંઘા મારવાડી અને ગુલઝાર લાઇનના ઘોડા, માલિકે આપ્યો ખુલ્લો ચેલેન્જ!

error: Protected Content!