હાર્ટ એટેકનો કહેર ! ગુજરાતમા હાર્ટ એટેકથી વધુ 4 લોકોના મોત, મૃતકમાં એક 22 વર્ષના ડોક્ટર સામેલ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે અને આવા વધતા બનાવો લોકોને ચિંતામાં મૂકી રહ્યા છે. મોટી ઉંમરના લોકો સાથે કિશોરો અને યુવાઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે અને આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યાં ગુજરાતમાં વધુ 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

22 વર્ષના ડોક્ટરને આવ્યો હાર્ટ એટેક
રાજકોટમાં સેટેલાઈટ ચોકમાં આવેલ ધારા એવન્યૂમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તેમજ શાપર સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતા 22 વર્ષના ડો.અવિનાશ વૈષ્ણવ ઘરમાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયુ હતુ. નાઈટ ડ્યૂટી બાદ સવારે તે ઘરે આવી પોતાના રૂમમાં સૂઈ ગયા અને સાંજે પિતાએ જગાડવાનો પ્રયાસ કર્યો પણ બેભાન જણાતા તેમને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નિપજ્યુ હતુ.

ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત
મહેસાણાના બેચરાજીના મંડાલી ગામમાં 17 વર્ષના સગીરનું હાર્ટ એટેકથી મોત થયું. મૃતક ધોરણ-12માં અભ્યાસ કરતો હતો. તેનું નામ સેંધાભાઈ રબારી હતુ અને તે જ્યારે રાત્રે સૂતો હતો ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો અને ઊંઘમાં જ તેનું મોત થયું. જો કે, સવારે તે ના જાગતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

File Pic

સુરતમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત
સુરતમાં પણ બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા. પહેલા બનાવની વિગત જોઇએ તો, વરાછાના ખોડિયાનગરમાં રહેતા 55 વર્ષિય પ્રવિણ કુકડિયા કે જેઓ ફર્નિચરની દુકાનમાં બેઠા હતા અને ત્યારે જ તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ પુત્ર હોસ્પિટલ લઈ પહોંચ્યો પણ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. બીજા બનાવની વિગત જોઇએ તો સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ શ્રીજીનગરમાં 45 વર્ષિય રામઆશિષ નિશાદને વરાછા ક્રબસ્તાન ક્રોસ કરતા સમયે છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેઓ બેભાન થઈ ગયા અને તે બાદ તેમને 108માં સિવિલ ખસેડવામાં આવ્યા પણ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

Shah Jina
error: Unable To Copy Protected Content!