ખુશખબરી: 200નું સીંગતેલ હવે મળશે ફક્ત 100 રૂપિયામાં, BPL કાર્ડધારકોને 1 લિટર સીંગતેલ સસ્તા દરે આપવાની જાહેરાત કરી છે

છેલ્લા ઘણા સમયથી જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે. ખાણી-પીણીની સાથે સાથે શાકભાજી અને દૂધ તેમજ પેટ્રોલ, ડિઝલ અને CNGના ભાવ પણ સતત વધતા જઇ રહ્યા છે. ત્યરા હવે ગુજરાત સરકારે જરૂરિયાતમંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો નિર્ણય કર્યો છે. આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઇ હતી, જેમાં સરકારે સિંગતેલ અંગે નિર્ણય કર્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે 200 રૂપિયાની આસપાસ મળતું સીંગતેલ હવે 100 રૂપિયે આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પહેલીવાર ડબલ ફિલ્ટર સીંગતેલ રાહતદરે સાતમ-આઠમ અને દિવાળી પર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવી રહેલા તહેવારોને ધ્યાને રાખીને સરકાર આગામી સમયમાં રાજ્યના 71 લાખ કાર્ડધારકોને વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 લિટર સિંગતેલ સસ્તા દરે આપે છે, ત્યારે આગામી તહેવારો દરમિયાન મોંઘા ભાવનું એટલે કે જે સિંગતેલની બજાર કિંમત 200 રૂપિયા આસપાસ છે, એ સિંગતેલ કાર્ડધારકોને માત્ર 100 રૂપિયાની કિંમતે આપશે.

જણાવી દઇએ કે, અત્યારસુધી સરકાર સિંગતેલ 197 રૂપિયે ખરીદે છે, જેમાં 180 રૂપિયા એની ખરીદ કિંમત છે. 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચ થાય છે. સરકારને આ તેલ 197 રૂપિયે પ્રતિ લિટર પડે છે. ત્યારે હવે સરકાર જરૂરિયાતમંદોને 100 રૂપિયામાં એક લિટર સિંગતેલ આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 4થી12 ઓગસ્ટ 8 મહાનગરમાં હર ઘર તિરંગા યાત્રા નીકળશે. ત્યારે આવતી કાલના રોજ સુરત ખાતે CM હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે. આ ઉપરાંત વિશ્વ આદિવાસી દિવસ પણ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. 26 સ્થળો પર કાર્યક્રમ થશે. વિશ્વ આદિવાસી દિવસ પર ઝાલોદ ખાતે સીએમ હાજર રહેશે. 1300 કરોડના લોકાર્પણ ખાત મુહર્ત કરવામાં આવશે.

Shah Jina