ભારતની મોટી સિદ્ધિ: ફક્ત 48 કલાકમાં કોરોનાનો થશે ખાતમો? લોન્ચ થયો નોઝલ સ્પ્રે

કોરોના વાયરસ છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કહેર વરસાવી રહ્યો છે. તેને કાબુમાં કરવા માટે કોઈ ચોક્કસ દવા નથી બની. હાલમાં માત્ર વેક્સિન જ આધાર છે. વેક્સિન લેવાથી જીવનું જોખમ ઘટી જાય છે. પરંતુ એવો કોઈ દાવો નથી કરી શકતુ કે એકવાર વેક્સિન લીધા બાદ કોરોના નહીં થાય.

પરંતુ આ બધાની વચ્ચે ભારતે દુનિયા માટે એક આશાનું કિરણ શોધ્યું છે. ભારતમાં કોરોનાની સારવાર માટે નાક દ્વારા આપવામાં આવતા નોઝલ સ્પ્રેની શોધ કરી છે. આ સ્પ્રે અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના લીધા બાદ 48 કલાકમાં કોરોનાનો ખાતમો કરી શકાય છે.

આ સ્પ્રેને ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માએ કેનેડિયનની બાયોટેક ફર્મ SaNOtize સાથે મળીને તૈયાર કર્યો છે. આ નેશલ સ્પ્રેનું નામ ફેબી સ્પે(Fabispray) રાખવામાં આવ્યું છે. નાક વાટે દેવામાં આવતી આ દવાનું નામ છે નાઈટ્રિક ઓક્સાઈડ.

આ સ્પ્રેનો ઉપયોગ 18 વર્ષથી ઉપરની ઉંમરના કોરોના સંક્રમિત વ્યક્તિ કરી શકે છે. કંપનીએ આ સ્પ્રેના લોન્ચિંગ પહેલા દેશની 20 હોસ્પિટલોમાં 306 દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કંપનીએ એક નિવેદન જારી કર્યું હતું. જેમા કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલના ત્રીજા તબક્કામાં જોવા મળ્યું કે આ સ્પ્રે આપ્યાના 24 કલાક બાદ વાયરસનો લોડ 94 ટકા ઘટી જાય છે જ્યારે 48 કલાક બાદ કોરોનાનો લોડ 99 ટકા સુધી ઘટી જાય છે. 

આમ આ સ્પ્રે લીધાના બે દિવસમાં લોકોને કોરોનાથી મૂક્તિ મળે છે. એવુ પણ કહેવામાં આવે છે કે આ સ્પ્રે લીધા બાદ વાયરસ નબળો પડી જાય છે અને તે શ્વાસ નળીમાં જ બેઅસર થઈ જાય છે. જેથી દર્દીને ગંભીર સંક્રમણ થતું નથી. >

આ ઉપરાંત ફેફસામાં સંક્રમણ પહોંચતું ન હોવાથી લોકોના જીવને જોખમ પણ રેહતું નથી. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ સ્પ્રેનો અભ્યાસ અમેરિકામાં પણ કરવામાં આવ્યો છે, જેના રિઝર્લ્ટ બતાવે છે કે કોરોનાના આલ્ફા,બીટા, ગામા,ડેલ્ટા અને એપ્સીલોન વેરિએન્ટને આ નોઝલ સ્પ્રે ફક્ત બે મિનિટમાં ખતમ કરી શકે છે.

ગ્લેનમાર્ક ફાર્માને ભારતમાં તેને વેચવા માટે ડ્રગ કંટ્રોલરની મંજૂરી મળી ગઈ છે. કંપની આ દવાને ઈઝરાયલ,થાઈલેન્ડ,બહરીન,ઈન્ડોનેશિયા અને સિંગાપુરમાં પણ વેચશે. જો કે આ સ્પ્રે બજારમાં કઈ તારીખથી મળશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ જો આ સ્પ્રે માર્કેટમાં આવે છે અને કંપનીના દાવા પ્રમાણે રિઝલ્ટ જોવા મળે છે તો આ એક કોરોના સામે મોટી સિદ્ધી હશે.

YC