અમદાવાદમાંથી ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલ મેટ્રો મેન્શન નામના ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ ભભૂકી ઉઠી હતી અને અફરા તફરી મચી ગઇ હતી. આગની જાણ થતા જ ફ્લેટના રહીશોમાં બૂમાબૂમ થઇ ગઇ હતી. આ આગમાં 39 જેટલા ટુ-વ્હિલર અને 3 રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હોવાના અહેવાલ.
જો કે, આગથી બચવા માટે લોકો ધાબે જતા રહ્યા હતા. ફાયર જવાનો દ્વારા 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા જ 9 જેટલી ગાડીઓ આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, મોડીરાત્રે 3:30 વાગ્યા આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો કે, ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલ મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે.
આ પછી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સમેત ડેપ્યુટી ઓફિસર સહિતના ફાયરના અધિકારીઓ 9 જેટલી ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, જ્યારે ફાયરબ્રિગેડના જવાનો પહોંચ્યા ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આગને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા ધાબે ચઢી ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ચાલુ આગમાં ધાબે પહોંતી લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા.
10 લોકોને ફાયર બ્રિગેડની સીડી વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિક રહીશો અનુસાર, મોડીરાત્રે કેટલાક અસામાજિક તત્વો પાર્કિંગમાં બેઠા હતા અને ફ્લેટના રહીશોએ તેમને ભગાડ્યા હતા. જો કે તેમણે ધમકી આપી હતી. ત્યારે હવે પોલીસ અને એફએસએલ ટીમની મદદ લેવામાં આવી છે.