શું ખરેખર સ્માર્ટ વૉચથી ફાસ્ટ ટેગની અંદર રહેલા પૈસા કપાઈ જાય છે ? શું છે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની સચ્ચાઈ, જુઓ

ગઈકાલનો સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું હતું કે કેવી રીતે ફાસ્ટેગમાંથી પણ સ્કેમ થાય છે. આ વીડિયોમાં બે યુવકો પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે તે પોતાની કારને ઉભી રાખે છે અને એક નાનો છોકરો કાર સાફ કરવા માટે કારના બોનેટ ઉપર ચઢે છે.

આ ટેણીયો કારનો ગ્લાસ સાફ કરતા કરતા જ્યાં ફસ્ટ ટેગ લગાવેલું છે ત્યાં સાફ કરવા માટે આવે છે અને પછી ઊંધા હાથથી એ જગ્યા ઉપર સાફ કરે છે. એ દરમિયાન આ ટેણીયાએ હાથમાં સ્માર્ટ વૉચ પહેરી હોય છે અને તેના દ્વારા ફાસ્ટ ટેગનો કોડ સ્કેન કરી અને ફાસ્ટ ટેંગમાં રહેલી રકમ ટ્રાન્સફર કરી દીધી હોવાનો દાવો પણ વીડિયોમાં કરવામાં આવ્યો હતો.

ત્યારે સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મ ઉપર આ વીડિયો કોઈપણ જાતની સચ્ચાઈ તપાસ્યા વિના જ વાયરલ થઇ ગયો હતો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં ઘણા લોકોને આ હકીકત લાગી રહી હતી તો ઘણા લોકોને આ ફેક વીડિયો પણ લાગી રહ્યો હતો. ઘણા લોકો કોમેન્ટમાં એમ પણ જણાવી રહ્યા હતા કે જો આ રીતે સ્કેમ થઇ શકતો હોય તો તે સ્કેમ કરવા વાળાને ચાલુ ગાડીએ ચઢવાની ક્યાં જરૂર છે. પાર્કિંગમાં ઉભેલી ગાડીમાંથી પણ આ રીતે સ્કેમ કરી જ શકાય છે.

ત્યારે હવે લોકોના મનમાં પણ એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે આ વાયરલ વીડિયો પાછળની હકીકત શું છે ? તો જો કે વીડિયોમાં ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાળકે હાથમાં ઘડિયાળ લઈને FASTag સ્કેન કર્યું, પરંતુ આ શક્ય નથી. પહેલી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ તમારા FASTagને ખાલી સ્કેન કરી શકશે નહીં. FASTag માંથી પૈસા ફક્ત તે ખાતાઓ દ્વારા કાપી શકાય છે, જેને સરકારે મંજૂરી આપી છે.

જેવી સરકારને ખબર પડી કે FASTag વિશે ખોટી માહિતી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, PIBએ ટ્વિટ દ્વારા તેને નકલી ગણાવ્યો છે. PIBએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરેક ટોલ પ્લાઝાનો એક યુનિક કોડ હોય છે અને વીડિયોમાં દાવો કર્યા મુજબ ટ્રાન્ઝેક્શન શક્ય નથી.

ખુદ Paytm વતી જ કહેવામાં આવ્યું છે કે NETCની ગાઈડલાઈન મુજબ FASTag દ્વારા આવો કોઈ વ્યવહાર કરી શકાતો નથી. માત્ર અધિકૃત વેપારીઓ જ આ કરી શકે છે. Paytm એ કહ્યું છે કે તેમનો FASTag સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટ્વિટર પર એક વ્યક્તિના જવાબમાં, FASTag NETC ના ટ્વિટર હેન્ડલ પર કહેવામાં આવ્યું છે કે NETC FASTag ટ્રાન્ઝેક્શન ફક્ત રજિસ્ટર્ડ વેપારીઓ દ્વારા જ થઈ શકે છે. આ વેપારીઓ ટોલ પ્લાઝા અને પાર્કિંગ પ્લાઝા સંચાલકો છે. તેઓ તેમના ભૌગોલિક સ્થાન અનુસાર NPCI પર નોંધાયેલા છે. કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag વ્યવહારો કરી શકશે નહીં. તે સંપૂર્ણપણે સલામત છે. એટલે કે ફાસ્ટેગ દ્વારા વીડિયોને ફેક પણ કહેવામાં આવ્યો છે.

તેથી જો હવે તમારી સાથે આવું કંઈક થાય, તો ચિંતા કરશો નહીં અને ફાસ્ટેગ પર બિલકુલ શંકા કરશો નહીં. તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તે ત્યારે જ કાપવામાં આવશે જ્યારે કોઈ અધિકૃત વેપારી તેમાંથી નાણાં કાપશે. લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ વીડિયો મૂકી શકે છે, પરંતુ તમારે તેનું સત્ય જાણ્યા વિના તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે FASTag પર ગંભીર આરોપ લગાવનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ.

Kashyap Kumbhani