ફેસબુકને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, માર્ક ઝકરબર્ગ દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, હવે ઓળખાશે આ નામથી કંપની

દુનિયાની સૌથી મોટી સોશિયલ સાઈટ ફેસબૂકને લઈને એક મહત્વના સમાચાર આવી ગયા છે, ફેસબુક કંપનીએ હવે તેમની કંપનીનું નામ બદલી નાખ્યું છે. આ બાબતે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગુરુવારે એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે.

આ બાબતે ફેસબુક તરફથી ટ્વિટર પર લખવામાં આવ્યું હતું કે, “ફેસબુકનું નવું નામ મેટા હશે. મેટા મેટાવર્સ બનાવવામાં મદદ કરશે. એક એવી જગ્યા જ્યાં આપણે રમીશું અને 3D ટેકનોલોજી દ્વારા એકબીજા સાથે કનેક્ટ થઈશું. સામાજિક જોડાણના આગલા પ્રકરણમાં આપનું સ્વાગત છે.”

છેલ્લા ઘણા સમયથી રિપોર્ટમાં એ સામે આવી રહ્યું હતું કે ફેસબુક પોતાના એક નવા નામ સાથે રીબ્રાન્ડ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ફેસબુક “મેટાવર્સ” બનાવવા પર ફોકસ રહેશે. ગયા મહિને ફેસબુકે તેના મેટાવર્સ બનાવવાની યોજના વિશે માહિતી આપી હતી. મેટાવર્સ શબ્દનો ઉપયોગ ડિજિટલ વિશ્વમાં વર્ચ્યુઅલ, ઇન્ટરેક્ટિવ સ્પેસને જાણવા અને સમજવા માટે થાય છે. મેટાવર્સ એ એક વર્ચ્યુઅલ વિશ્વ છે જ્યાં વ્યક્તિ ભૌતિક રીતે હાજર ન હોવા છતાં પણ અસ્તિત્વમાં હોઈ શકે છે.

આ પહેલા ફેસબુક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કંપની જે સોશિયલ નેટવર્કને મેટાવર્સ બનાવવા જઈ રહી છે તેના માટે 10000 લોકોને હાયર કરવામાં આવશે. નવા મેટાવર્સમાં, Facebook વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરશે અને વર્ચ્યુઅલ અનુભવોનો નવો અધ્યાય શરૂ કરશે. ફેસબુક દ્વારા આ નામ એવા સમયે બદલવામાં આવ્યું છે જ્યારે ઘણા દેશોમાં કંપની સામે ઓનલાઈન સેફ્ટી, ભડકાઉ સામગ્રીને રોકવાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

કંપનીનું નામ બદલવાની સાથે જ માર્ક ઝકરબર્ગે લોકોની ગોપનીયતાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. પોતાના સંબોધન દરમિયાન માર્કે કહ્યું કે, “આગામી સમયમાં એવા સેફ્ટી કંટ્રોલની જરૂર પડશે જેનાથી મેટાવર્સની દુનિયામાં કોઈ પણ મનુષ્યને અન્યની સ્પેસમાં જવાની મંજૂરી ન રહે.”

Niraj Patel