ગોંડલ હિટ એન્ડ રન : તેજ રફતાર લક્ઝુરિયસ કારે બે બાઇકને લીધી અડફેટે, 70 વર્ષના વૃદ્ધની જિંદગી હોમાઈ

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતોમાં કોઇ પરિવારનું જીવન હોમાય છે તો ઘણીવાર આવા અકસ્માતોને કારણે કોઇકનું મોત થઇ જતુ હોય છે. હાલમાં જ એક અકસ્માતની ઘટના રાજકોટના ગોંડલમાંથી સામે આવી છે. આ હિટ એન્ડ રન ઘટનામાં 70 વર્ષિય વૃદ્ધનું મોત થયાના પણ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેના CCTV ફુટેજ સામે આવતા બેફામ કારચાલકની બેદરકારી દેખાઇ રહી છે.

રાજકોટના ગોંડલ ખાતે વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર પૂરપાટ ઝડપે જતી કાર દુકાનમાં ઘુસી  ગઇ હતી. આ કારે થોડી જ સેકન્ડની અંદર બે બાઈકોને અડફેટે લીધા હતા. અને આ ઘટનામાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. હાલ આ વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તપાસમાં મૃતકનું નામ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી સામે આવ્યુ છે. હાલ તો પોલીસે આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર સવારના ભાગે પૂરપાટ વેગે આવતી એન્ડેવર કારે બે બાઈકને અડફેટે લીધા હતા અને બાદમાં કાર સીધી સામેની દુકાનમાં ઘૂસી ગઇ હતી.

જ્યાં ઊભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ મુકાતી પર કાર કાળ બનીને ત્રાટકી હતી, જેને પગલે તેમનું કમકમાટીભર્યું મોત થયુ હતું. ઘટના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. જો કે, અકસ્માત બાદ ઘટનાસ્થળે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

Shah Jina