દહેગામમાં ડમ્પરની ટક્કરથી આખો પરિવાર વેરવિખેર થઇ ગયો, 4 લોકોના મોતના કારણે આખા ગામમાં છવાયો માતમ

એક જ સાથે ઉઠી પરિવારના ચાર લોકોની અર્થી, ગમખ્વાર અકસ્માતમાં દાદા -દાદી અને પિયરમાં રહેતી દીકરી સાથે 5 વર્ષના ભાણીયાએ પણ જીવ ગુમાવ્યો, રડાવી દેનારી ઘટના

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને આવા અકસ્માતમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણીવાર તો એવા અકસ્માતની ખબર સામે આવે છે જેમાં આખો પરિવાર કાળની ચપેટમાં આવી જાય છે. ત્યારે હાલ એવી જ એક ખબર દહેગામથી સામે આવી રહી છે. જ્યાં એક બાઈક અને ડમ્પરની અડફેટમાં એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા છે.

આ રૂંવાડા ઉભો કરી દેનારો અકસ્માત સર્જાયો હતો દહેગામમાં આવેલા હરખજીના મુવાડા પાસે. જ્યાં ગત શનિવારના રોજ એક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દોહિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જયારે નાના, નાની તેમજ દીકરીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા, જ્યાં નાનાનું મોત નીપજ્યું. જયારે દીકરી અને નાનીને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તે બંનેના પણ મોત થયા.

લાલુજીની મુવાડીના રહેવાસી એક જ પરિવારના 4 લોકોના નિધન બાદ આખા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. ગણતરીના કલાકોમાં એક જ પરિવારના ચાર લોકોની અર્થીઓ ઉઠતા જ પરિવારજનોનું હૈયાફાટ રુદન સામે આવ્યું અને ગામ લોકોની પણ આંખો ભીંજાઈ હતી. આ પરિવાર દહેગામ ખરીદી કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર લાલુજીની મુવાડીમાં રહેતા જીતેન્દ્રસિંહ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની હિરલ 5 વર્ષના દીકરા મયુર સાથે છેલ્લા 4 મહિનાથી તેમના ઘરે જ રહેતી હતી. આ દરમિયાન ગત શનિવારના રોજ જીતેન્દ્રસિંહ તેમની પત્ની જશોદાબેન અને દીકરી તેમજ 5 વર્ષના પૌત્ર મયુર સાથે દહેગામ ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી કરીને ઘરે પરત ફરતા સમયે જ ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી.

Niraj Patel