ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન, કીર્તિદાન ગઢવી પણ રહ્યા હાજર, કહ્યુ- હોસ્પિટલના લાભાર્થે કરશે હનુમાન કથા
હાલ છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાત પ્રવાસ દરમિયાન ઘણા મંદિરોની મુલાકાત લીધી અને તેમણે દિવ્ય દરબાર પણ યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ત્યારે હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા હતા.
આ દરમિયાન તેમણે સોમનાથ મહાદેવની પાઘ પૂજા અને ધ્વજાપુજા કરી અને સોમનાથ મંદિરની સુચારુ દર્શન વ્યવસ્થા અને સ્વચ્છતા માટે ટ્રસ્ટને અભિનંદન આપ્યા. બાબા બાગેશ્વરને મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા મંદિરમાં આવકારવામાં આવ્યા હતા.
જણાવી દઇએ કે, સુરત અને અમદાવાદમાં તેમનો બે દિવસે દરબાર યોજાયો હતો અને આજે અને આવતી કાલે એટલે કે એક અને બે જૂને તેઓ રાજકોટના પ્રવાસે છે.આ દરમિયાન તેઓ કેશોદ એરપોર્ટ ખાતે આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા.
આ દરમિયાન લોક સાહિત્ય કલાકાર અને ડાયરા સમ્રાટ કીર્તિદાન ગઢવી સહિતના લોકો બાબા બાગેશ્વરને આવકારવા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. બાબાનું આગમન થતાં જ જુદા જુદા ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના આગ્રણીઓએ સ્વાગત કર્યું હતું અને મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં તેમને પુષ્પોથી આવકાર્યા હતા.
બાબાના ભકતોની ભીડ કેશોદ એરપોર્ટ ખાતે ઉમટી પડી હતી અને આ દરમિયાન ધક્કામૂક્કીના દ્રશ્યો સર્જાયાં હતા. બાબા બાગેશ્વરે દર્શન બાદ કહ્યું હતુ કે, ગુજરાત ભક્તિની ભૂમી છે અને આગામી સમયમાં કિર્તીદાન ગઢવીના સહયોગથી સોમનાથમાં કથાનું આયોજન કરવામાં આવશે, જે કેન્સર હોસ્પિટલના લાભાર્થે થશે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, ભગવાન રામની યાત્રા પર પથ્થર ફેંકવાના ત્યારે બંધ થશે જયારે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે.
View this post on Instagram
બાગેશ્વર બાબાએ સોમનાથ મહાદેવની ધજા પૂજા અને પાઘ પૂજા કર્યા હતા. તેમણે સનાતન ધર્મમાં શૌર્ય અને ત્યાગનું પ્રતીક ગણાતી કેસરિયા રંગની પાઘ સોમનાથ મહાદેવને પૂજનમાં અર્પણ કરી હતી. તે બાદ તેમણે સોમનાથ ટ્રસ્ટની સ્વહસ્ત ધ્વજા રોહણ સુવિધાનો લાભ લઈ પોતાના હાથે દોરડું ખેંચી ધ્વજાને શિખર સુધી પહોંચાડી હતી.
View this post on Instagram