બનાસકાંઠા જિલ્લામાં છવાયો શોકનો માહોલ, માતૃભૂમિની રક્ષા કરનાર વીર જવાનનું નિધન, 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન

આપણા દેશની સરહદો ઉપર સેનિકો ખડેપગે માતૃભૂમિની રક્ષા કરતા હોય છે, થીજવી દે તેવી ઠંડી હોય કે પછી ધોમ ધખતો તડકો હોય કે પછી ભલે મુશળધાર વરસાદ વરસી રહ્યો હોય, પરંતુ આપણા દેશના સૈનિકો હંમેશા દેશની રક્ષા કરવા માટે પોતાનો જીવ લગાવી દે છે અને દુશ્મનો સામે આપણું રક્ષણ કરતા હોય છે.

માતૃભૂમિની રક્ષા કરતા કરતા ઘણા જવાનો પણ શહીદી વહોરી લેતા હોય છે, થોડા દિવસ પહેલા જ કપડવંજના વણઝારીયા ગામના યુવાન હરીશ સિંહ શહીદ થયા હતા. ત્યારે ગત રોજ વધુ એક જવાનનું નિધન થયા હોવાની ખબર પણ આવી હતી. જેના બાદ તેમના ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મગરાવા ગામના અને કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવતાં 24 વર્ષીય વીર જવાન ભલાભાઇ નારણભાઇ ચૌધરીનું શુક્રવારે ન્યૂમોનિયાથી નિધન થતાં સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ભલાભાઇ નારણભાઇ ચૌધરી (ઉં.વ.24) ભારતીય સેનામાં ત્રણ વર્ષ પહેલા ભરતી થયા હતા અને હાલમાં કાશ્મીર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે ભલાભાઇને 5 ઓક્ટોમ્બરે તાવની અસર જણાતાં 8 ઓક્ટોમ્બરે બીકાનેર ખાતે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધારે બગડતા આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ભલાભાઇને ન્યૂમોનિયા હોવાનુ બહાર આવ્યુ હતુ. આને આખરે તેમને શુક્રવારના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

આ બાબતે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા ભલાભાઈના ખાસ મિત્ર અને તેમના ગામના વતની એવા દશરથભાઈ પટેલ સાથે વાતચીત દરમિયાન તેમના જીવન વિશેની ઘણી બધી બાબતો જાણવા મળી હતી. તેમને જણાવ્યું હતું કે ભલાભાઈનું સપનું ધોરણ 9માંથી જ આર્મીમાં જવાનું હતું. દિવસે દિવસે તેમની આર્મીમાં જવાની પ્રબળ ઈચ્છા વધતી ગઈ અને તેમને પોતાની મહેનત દ્વારા આ સપનું પૂર્ણ કર્યું હતું.

દશરથભાઈ સાથે વાત કરવા દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમના લગ્ન આજથી પાંચ મહિના પહેલા જ એટલે કે 24 મેં 2021ના રોજ થયા હતા. લગ્ન બાદ તે પોતાની ફરજ ઉપર પરત ચાલ્યા ગયા હતા અને હવે જ્યારે રજાઓમાં પાછા આવવાના હતા ત્યારે તે તેમના લગ્નનું આલ્બમ લેવા માટે પણ જવાના હતા. પરંતુ તેમનો પાર્થિવ દેહ હવે તેમના વતન પહોંચશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ભલાભાઈના પિતા અને એક મોટા ભાઈ ખેતી કામ કરે છે જયારે તેમનો એક નાનાભાઈ સુરતની અંદર ગુજરાત પોલીસની અંદર ફરજ બજાવે છે. તેવું દશરથભાઈ દ્વારા જાણવા મળ્યું છે. ભલાભાઈના નિધન બાદ તેમના મગરાવા ગામ સાથે સમગ્ર જિલ્લાની અંદર શોક વ્યાપી ગયો છે, આ સાથે જ ઘણા રાજકીય લોકો સાથે અન્ય લોકો પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Niraj Patel