વધુ એક ‘અતુલ સુભાષ’! કાફે-માલિકે કરી આત્મહત્યા, વીડિયો બનાવી પત્ની-સાસરિયાંનો ભાંડો ફોડ્યો

અતુલ સુભાષની આત્મહત્યા જેવી જ એક ઘટના દિલ્હીના મોડલ ટાઉનમાં જોવા મળી છે. જેમાં, કલ્યાણ વિહારમાં પુનીત ખુરાના નામના વ્યક્તિએ પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પુનીત અને તેની પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 30મી ડિસેમ્બરની રાત્રે આત્મહત્યા કરતા પહેલા પુનીતે તેની પત્ની સાથે ફોન પર વાત કરી હતી, જેનો ઓડિયો પણ હવે સામે આવ્યો છે. પુનીતે પોતાના ફોન પર 59 મિનિટનો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયાઓ પર ત્રાસનો આરોપ લગાવ્યો હતો.

ઓડિયોમાં છૂટાછેડા અને વ્યવસાયનો ઉલ્લેખ

આ કોલ રેકોર્ડિંગમાં બંને છૂટાછેડા અને બિઝનેસમાં ભાગીદારી વિશે વાત કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, પુનીત અને તેની પત્નીનો બેકરીનો બિઝનેસ હતો જેમાં બંને ભાગીદાર હતા. વાસ્તવમાં, વાયરલ થઈ રહેલા કોલ રેકોર્ડિંગમાં વિવાદ દરમિયાન મનિકા કહી રહી છે, ‘તો પછી તું મને ધમકી આપીશ કે, હું આત્મહત્યા કરી લઈશ.’ પતિ-પત્ની વચ્ચે આ પ્રકારની વાતચીત થતી રહે છે.

મૃતકના પરિવારજનોનો આરોપ

મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, મૃત્યુ પહેલા પુનીતે પોતાના ફોન પર 59 મિનિટનો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયાઓ પર ત્રાસનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પોલીસે પુનીતનો ફોન જપ્ત કરી લીધો છે અને પરિવારને વીડિયો આપ્યો નથી. તમને જણાવી દઈએ કે, પુનીતે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. લગ્નના એકથી દોઢ વર્ષ પછી જ તેમનો વિવાદ શરૂ થયો અને પછી પરસ્પર સંમતિથી તેમના છૂટાછેડાનો કેસ કોર્ટમાં પહોંચ્યો. પુનીતના પિતાના કહેવા પ્રમાણે, 9 વર્ષ પહેલા તેણે યુવતીના પરિવારને 1 કરોડ 65 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા.

પોલીસે શું કહ્યું?

પુનીતે જે ઘરમાં આત્મહત્યા કરી છે, તે ઘર કલ્યાણ વિહારમાં છે, જે પુનીતની પત્નીના નામે છે. યુવતીના પરિવારે પુનીત અને તેના પરિવારને રહેવા માટે આ ઘર આપ્યું હતું. મૃતકના સંબંધીઓનું કહેવું છે કે, છૂટાછેડા પછી મિલકતમાં સમાધાન થવાનું હતું. હાલ પોલીસ આ મામલામાં પુનીતની પત્નીનું નિવેદન લઈ રહી છે અને પુનીતના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. પોલીસે પુનીતની પત્ની સામે કોઈ કેસ નોંધ્યો નથી.

Twinkle