જિલ્લા શિક્ષણાધિકારીને સરકારી પગાર કેમ ઓછો લાગે છે….! અધધધધ હજારોની લાંચ લેતા ઝડપાઇ….
ગુજરાતમાંથી અવાર નવાર લાંચ લેતા અધિકારીઓના કિસ્સા સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર ACB દ્વારા કે પોલિસ દ્વારા અથવા તો પછી ક્રાઇમ બ્રાંચ દ્વારા છટકુ ગોઠવવામાં આવે છે અને લાંચ લેનારની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં જ લાંચનો એક કિસ્સો દાહોદની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી સામે આવ્યો છે. જેમાં એસીબીએ સફળ ટ્રેપ કરી મહિલા જિલ્લા શિક્ષણાધિકારીને 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી હતી.
પેન્શન કેસના કાગળોમાં ફરિયાદી પાસે કોઈ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે લાંચ માગવામાં આવી હતી અને ફરિયાદી લાંચ આપવા માગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જે બાદ એસીબીએ છટકું ગોઠવી ક્લાસવન અધિકારીની પોતાની જ કચેરીમાં લાંચ લેતા રંગેહાથ ઝડપી ધરપકડ કરી હતી.
શિક્ષણ વિભાગના એક કર્મચારી નિવૃત્ત થવાના હતા અને પેન્શન કેસમાં કોઇ પણ પ્રકારના નાણાં બાકી ન હોવાના પ્રમાણપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેની સહી લેવાની હતી. ત્યારે ફરિયાદી પાસે કાજલ દવેએ સહી કરી આપવા માટે 10 હજારની માગણી કરી પણ ફરિયાદી લાંચ આપવા માગતા નહોતા અને તેથી તેમણે દાહોદ એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે એસીબીએ છટકુ ગોઠવી જિલ્લા શિક્ષણાધિકારીને લાંચ સ્વીકારતાં રંગે હાથ ઝડપ્યા હતા.
ત્યારે એસીબીએ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને આ ટાણે જ જિલ્લા શિક્ષણાધિકારી પ્રામાણિક્તા અને કર્તવ્યનિષ્ઠાની પરીક્ષામાં નાપાસ થયા છે. જણાવી દઇએ કે, એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.